BREAKING NEWS

ટ્રાફિક સર્કલ હવે મફતમાં નહીં મળે: પ્રથમ વખત અપસેટ પ્રાઇસ સાથે ટેન્ડર પ્રસિધ્ધ

  • December 13, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત જનભાગીદારીથી શહેરના વિવિધ માર્ગો ઉપરના મુખ્ય ચોકમાં આવેલા ટ્રાફિક સર્કલના ડેવલપમેન્ટ રાઇટ્સ આપવામાં આવી રહ્યા છે. પ્રારંભિક તબક્કે વાર્ષિક પ્રીમિયમથી પાંચ વર્ષ માટે અપાતા ટ્રાફિક સર્કલ માટે હવે અપસેટ પ્રાઇસ પણ નક્કી કરવામાં આવી છે.મહાપાલિકાએ નવી પોલિસી તૈયાર કરી છે જેમાં આગામી દિવસોમાં ટ્રાફિક સર્કલ ટેન્ડરથી જ અપાશે અને તે માટે દરેક ટ્રાફિક સર્કલની અપસેટ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, હવેથી ડેવલપમેન્ટના નામે સર્કલ મફત નહીં મળે કે મફતના ભાવે નહીં મળે. હાલ સુધી દર વર્ષે ફ્ક્ત પ્રીમિયમ વસૂલાતું હતું પરંતુ હવે અપસેટ પ્રાઇસ નક્કી કરાઇ છે અને ટેન્ડરથી સર્કલ અપાશે. તદઉપરાંત પ્રીમિયમમાં પણ જે ભાવ ભર્યો હોય તેમાં પણ પ્રતિ વર્ષ ઉત્તરોતર ૧૦ ટકા વધારો ચૂકવવાનો રહેશે.

દરમિયાન તાજેતરમાં શહેરના વધુ ૧૧ ટ્રાફિક સર્કલ અપસેટ પ્રાઈસ સાથે પ્રીમિયમથી આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. હાલ સુધી એવું હતું કે કોઇ અપસેટ પ્રાઇસ ન હતી તેથી જો એકથી વધુ માંગણીદાર ન હોય તેવા કિસ્સામાં ડેવલપર તેમની ઇચ્છા અનુસારના ભાવે ટ્રાફિક સર્કલ મેળવી જતા હતા પરંતુ આવું શક્ય બનશે નહીં.

ખાસ કરીને અમુક ડેવલપર્સ ટ્રાફિક સર્કલ મેળવ્યા બાદ ત્યાં આગળ કોમર્શિયલ પ્રવૃતિ કરતા હોવાનું પણ ધ્યાને આવતા હવે નવી પોલિસી હેઠળ તૈયાર કરાયેલા નવા નિયમો મુજબ જ ટ્રાફિક સર્કલ અપાશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.



ટ્રાફિક સર્કલ વાઇઝ અપસેટ પ્રીમિયમ

ક્રમ------સર્કલ------વાર્ષિક અપસેટ રૂ.

૧.સોરઠીયાવાડી સર્કલ (ફુવારા સાથે) ૪ લાખ

૨.જલગંગા ચોક, સંતકબીર રોડ ૧.૫૧ લાખ

૩.સેટેલાઈટ ચોક, પેડક રોડ ૧.૭૮ લાખ

૪.બાલક હનુમાન ચોક, પેડક રોડ ૧.૫૧ લાખ

૫.આહીર સર્કલ, નહેરૂનગર,૮૦ ફુટ રોડ ૧.૫૧ લાખ

૬.માધાપર મેઈન રોડ-એઈમ્સ રોડ જંકશન સર્કલ ૧.૫૧ લાખ

૭.સ્વ.નારણભાઇ કુંગસિયા ચોક,વોર્ડ ઓફીસ ૩-ડ સામે,રેલનગર ૧.૫૧ લાખ

૮.સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ ૨.૫૧ લાખ

૯.કોલસાવાડી સર્કલ,ગેબનશાહ પીર રોડ ,(ફુવારા સાથે) ૧.૫૧ લાખ

૧૦.બાપા સીતારામ ચોક, મવડી રોડ ૨.૫૧ લાખ

૧૧.પટેલ ચોક, હરિ ઘવા રોડ ૧.૫૧ લાખ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application