ટેસ્લાએ વિશ્વની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીનો તાજ ગુમાવ્યો, કારણ કે ગ્રાહકોએ ઈલોન મસ્કના જમણેરી રાજકારણ સામે બળવો કર્યો, ખરીદદારો માટે યુએસ ટેક્સ છૂટ સમાપ્ત થઈ ગઈ અને વિદેશમાં તીવ્ર સ્પર્ધાને કારણે વેચાણ સતત બીજા વર્ષે ઘટ્યું.
ટેસ્લાએ જણાવ્યું કે 2025માં કંપનીએ કુલ 16.4 લાખ કારો વેચી, જે ગયા વર્ષ કરતાં 9 ટકા ઓછી છે. બીજી તરફ, ચીનની કંપની બીવાયડીએ 22.6 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચીને દુનિયાની સૌથી મોટી ઈવી કંપની બની ગઈ છે.
એક સમય હતો જ્યારે ઈલોન મસ્ક બીવાયડીને ગંભીર સ્પર્ધક માનતા ન હતા. ટેસ્લાની ઝડપભરી વૃદ્ધિએ મોટા ઓટો કંપનીઓને પાછળ છોડી દીધી હતી અને મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.
2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં ટેસ્લાએ 4,18,227 કારો વેચી, જ્યારે વિશ્લેષકોને આશા હતી કે 4,40,000 કારો વેચાશે. સપ્ટેમ્બર અંતે અમેરિકામાં 7,500 ડોલરની ટેક્સ છૂટછાટ બંધ થતાં વેચાણ પર અસર પડી.
આ બધાની વચ્ચે પણ શુક્રવારે ટેસ્લાનો શેર 0.5 ટકા વધીને 451.60 ડોલર પર પહોંચ્યો. 2025 પૂરું થતા ટેસ્લાનો શેર કુલ મળીને આશરે 11 ટકા વધ્યો.
નિવેશકો હજુ પણ મસ્કની ભવિષ્યની યોજનાઓ પર વિશ્વાસ રાખી રહ્યા છે. મસ્ક ટેસ્લાને ડ્રાઈવર વગરની રોબોટૅક્સી, એનર્જી સ્ટોરેજ અને ઘર તથા ફેક્ટરી માટેના રોબોટ્સમાં અગ્રણી બનાવવા માગે છે.
ઓક્ટોબરમાં ટેસ્લાએ સસ્તી આવૃત્તિની મોડલ વાય અને મોડલ-૩ લોન્ચ કરી. નવી મોડલ વાયની કિંમત લગભગ 40,000 ડોલરથી ઓછી છે અને મોડલ-૩ 37,000 ડોલરથી ઓછી કિંમતે મળશે. આ કારો યુરોપ અને એશિયામાં ચીની કારો સામે સ્પર્ધા કરવા મદદ કરશે.
વિશ્લેષકોનું માનવું છે કે જાન્યુઆરીના અંતે આવનારા પરિણામોમાં ટેસ્લાની વેચાણમાં 3% ઘટાડો અને નફામાં લગભગ 40 ટકા ઘટાડો જોવા મળી શકે છે. તેમ છતાં, 2026 દરમિયાન સ્થિતિ સુધરશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
તાજેતરમાં ઈલોન મસ્કને મોટો ફાયદો થયો છે. ડેલાવેર સુપ્રીમ કોર્ટે તેમની 55 અબજ ડોલરની પગાર પેકેજ ફરી મંજૂર કરી છે. વધુમાં, સ્પેસ એક્સના આઈપીઓ પછી મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલિયનર બની શકે તેવી શક્યતા પણ છે.