સંયુક્ત આરબ અમીરાત (UAE) થી ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા એક કાર્ગો જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) નજીક ભીષણ મિસાઈલ હુમલો થયો છે. થાઈલેન્ડનો ધ્વજ ધરાવતા ‘મયુરી નારી’ નામના આ જહાજ પર બે પ્રોજેક્ટાઈલ મિસાઈલો ત્રાટકતા એન્જિન રૂમમાં જોરદાર વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. સદનસીબે, ૨૦ ક્રૂ સભ્યોને ઓમાની નૌકાદળ દ્વારા બચાવી લેવાયા છે, જ્યારે અન્ય ત્રણને શોધવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન ચાલુ છે.
રોયલ થાઈ નેવીના જણાવ્યા અનુસાર, હુમલો બુધવારે વહેલી સવારે ૪:૧૦ વાગ્યે થયો હતો. જહાજ UAE ના ખલીફા બંદરથી માલ ભરીને ગુજરાતના કંડલા બંદર જવા રવાના થયું હતું. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની એવી હોર્મુઝની સામુદ્રધુનીમાં, જ્યાં ઈરાને હાલમાં કડક પ્રતિબંધો લાદ્યા છે. બે મિસાઈલો જહાજની વોટર લાઈનની ઉપર અથડાઈ હતી, જેના કારણે પાછળના ભાગમાં અને એન્જિન રૂમમાં ભયાનક આગ લાગી હતી. નૌકાદળ દ્વારા જારી કરાયેલા ફોટામાં જહાજમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે.
બચાવ કામગીરી અને જીવ બચાવવા માટેની મથામણ
જ્યારે જહાજ આગની લપેટમાં આવ્યું, ત્યારે જીવ બચાવવા માટે ક્રૂ સભ્યોએ લાઈફબોટનો સહારો લીધો હતો. ઓમાની નૌકાદળે તાત્કાલિક મદદ પહોંચાડી ૨૦ સભ્યોને ઓમાનના ખાસાબ કિનારે સુરક્ષિત લાવ્યા છે. હજુ પણ ૩ સભ્યો ગુમ હોવાથી તેમની શોધખોળ માટે હેલિકોપ્ટર અને સર્ચ જહાજો કામે લગાડવામાં આવ્યા છે.
આ હુમલો કોણે કર્યો તે અંગે હજુ તપાસ ચાલુ છે, પરંતુ આ વિસ્તારમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વ્યાપારી જહાજો સતત નિશાન બની રહ્યા છે.