જામનગર : ધ્રોલ તાલુકાના વિવિધ ગામોની કલેકટરે મુલાકાત લઈ મતદાર યાદી સુધારણા કામગીરીનું નિરીક્ષણ કર્યું
જામનગર : ધ્રોલ તાલુકાના વિવિધ ગામોની કલેકટરે મુલાકાત લઈ મતદાર યાદી સુધારણા કામગીરીનું નિરીક્ષણ કર્યું
November 12, 2025 07:43 AM
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલતા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત ધ્રોલ તાલુકામાં ચાલી રહેલ ફોર્મ વિતરણ કામગીરીનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ તેમના પ્રવાસ દરમિયાન ધ્રોલ તાલુકાના ડાંગરા અને સણોસરા ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદારોને ફોર્મ વિતરણની થતી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
આ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરએ બૂથ લેવલ ઓફિસર્સને ખાસ સૂચના આપી હતી કે મતદારોને સમગ્ર પ્રક્રિયાની વ્યવસ્થિત અને સરળ સમજૂતી પૂરી પાડવામાં આવે જેથી કોઈ પણ યોગ્ય મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય. તદુપરાંત કલેક્ટર કેતન ઠક્કરે ગામ લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો અને મતદારોની અચૂક નોંધણી કરાવી મતદાર યાદી સુધારણાના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સક્રિય સહયોગ પૂરો પાડવા અનુરોધ કર્યો હતો.