BREAKING NEWS

આરોપીઓને સમાજ સુધારક યંત્ર દ્વારા ડીસીપીએ સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું

  • January 07, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં બેડી ચોકડી નજીક દાળ પકવાનના ધંધાર્થી અને તેના કર્મચારી ઉપર સરાજાહેર હુમલો કરી લારીમાં તોડફોડ કરી ધમાલ મચાવી સામાકાંઠા વિસ્તારમાં રહેતા નામચીન ભુપત બાબુતરના ભત્રીજા સહિતના સાગરીતો ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ એકા એક ક્રાઈમ બ્રાંચમાં દેવશી બાબુતર સહિત ત્રિપુટી ગત રાત્રિના ડીસીબીમાં હાજર થઇ જતા યુવા ડીસીપી આરોપીના શિન વિખી નાખી બોકાસા નખાવી દીધા બાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમે આરોપીઓનું ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના બેડીચોકડી નજીક કાળા કાચવાળી સ્કોર્પિયોમાં ધોકા, લોખંડના પાઈપ વડે ઘસી આવેલા શખ્સોએ દાળ પકવાનના ધંધાર્થી ઉપર હુમલો કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.


આ અંગે કુવાડવા પોલીસ મથકના પીઆઈ રજિયા સહિતની ટીમે તપાસ કરતા બેડી ગામે રહેતા અને ગામમાં દાળ પકવાનની લારીમાં નાસ્તાનો ધંધો કરતો વિપુલ રાણાભાઈ વડેચા(ઉ.વ.32) તેની લારીએ સુનિલ નામનો માણસ સાથે હતો ત્યારે બે અજાણ્યા શખ્સે તેની લારીએ નાસ્તો કરવા આવ્યા હતા તે દરમિયાન ગ્રાહકો વધુ હોય થોડી વારમાં નાસ્તો આપી દેવાનું કહેતા બન્ને શખ્સે વેપારી સાથે ઝઘડો કર્યો હતો.


ત્યારબાદ તેણે ફોન કરી કોઈને બોલાવ્યા હતા, જે દરમિયાન કાળા કાચવાળી સ્કોર્પિયોમાં ધસી આવેલા ભૂપત બાબુતરના ભત્રીજા દેવશી બાબુતરને તે ઓળખતો હોય, કોઈ વાત કરે તે પહેલા લોખંડના પાઈપ વડે તેણે આડેધડ હુમલો કર્યો હતો,તેમજ તેની સાથેના શખ્સો પણ ધોકા વડે તૂટી પડયા હતા.


જેથી તેને સમજાવવા વચ્ચે પડેલા સુનિલની સાથે મારકૂટ અને લારીમાં તોડફોડ થતા બનાવને પગલે કુવાડવા પોલીસે વિપુલ વડેચાની ફરિયાદ પરથી છ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ગોંડલિયા સહિતના સ્ટાફે બેડીપરામાં રહેતો ભૂપતનો ભત્રીજો દેવશી કાબાભાઈ બાબુતર, શ્યામ સંજયભાઈ બાબુતર અને કિશન સરસિયાની ધરપકડ કરી હતી.


હુમલાના આરોપીઓ હાજર થતા ખુદ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ પોતાની આગવી સ્ટાઇલ મુજબ આરોપીઓને સમાજ સુધારક યંત્ર દ્વારા આગતા સ્વાગતા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ આરોપીને ઘટના સ્થળે લઇ જઈ બે હાથ જોડી માફી મંગાવી રીકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application