BREAKING NEWS

ગુજરાતમાં ભાડાના મકાનો માટે ક્રાંતિકારી કાયદો અમલી: હવે લેખિત કરાર ફરજિયાત, 3 મહિનાથી વધુ ડિપોઝિટ નહીં લઈ શકે મકાન માલિક

  • September 11, 2026 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી 'ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬' વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી.


મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે આપવાની વ્યવસ્થા 'મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭' હેઠળ સંચાલિત થતી હતી, જેની મુદત વખતોવખત લંબાવવી પડતી હતી. જૂના કાયદાની મર્યાદાઓને કારણે મકાન માલિકો અને ભાડૂઆતોને અનેક કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આધુનિક જરૂરિયાતોને અનુરૂપ નવો 'ગુજરાત ભાડા અધિનિયમ' લાવવામાં આવ્યો છે.


ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ની મુખ્ય જોગવાઈઓ

૧. લેખિત કરાર ફરજિયાત

હવેથી કોઈ પણ મિલકત (રહેણાંક કે વાણિજ્યિક) લિખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં. આ કરારની માહિતી સંયુક્ત રીતે 'રેન્ટ ઓથોરિટી'ને આપવાની રહેશે.


૨. ડિજિટલ પ્લેટફોર્મ અને યુનિક આઈડી

ડિજિટલ શાસન અને ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગથી ભાડા સત્તાધિકારી ૩ મહિનામાં માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરશે. દરેક કરારને એક વિશેષ આઈડેન્ટિફિકેશન નંબર (ID) ફાળવી વેબસાઈટ પર અપલોડ કરાશે, જે ભાડૂઆત અને માલિક બંને માટે નિર્ણાયક પુરાવો બનશે.


૩. સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા

ભાડૂઆતોના હિતમાં એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ ૩ મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ ચુકતે કરીને ૧ મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.


૪. ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા

કોઈપણ વિવાદના સમયબદ્ધ અને ઝડપી નિવારણ માટે રાજ્યમાં રેન્ટ ઓથોરિટી (Rent Authority), રેન્ટ કોર્ટ (Rent Court) અને રેન્ટ ટ્રિબ્યુનલ (Rent Tribunal) એમ ત્રણ સ્તરની ન્યાયિક વ્યવસ્થા અસ્તિત્વમાં લાવવામાં આવશે.


૫. જીવનજરૂરી સેવાઓ રોકી શકાશે નહીં

કોઈપણ મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ કનેક્શન જેવી આવશ્યક સેવાઓ રોકી શકશે નહીં. જો આવું થશે, તો રેન્ટ ઓથોરિટી તુરંત સેવાઓ પુનઃજીવિત કરવાનો આદેશ કરશે.


૬. મિલકત ખાલી કરાવવાના સ્પષ્ટ આધારો (કલમ ૨૧)

મકાન માલિકના હકોનું રક્ષણ કરતા કલમ ૨૧ હેઠળ મિલકત ખાલી કરાવવાના આધારો દર્શાવ્યા છે. જો ભાડૂઆત સતત ભાડું ન ચૂકવે, મિલકતને નુકસાન પહોંચાડે કે માલિકની મંજૂરી વગર પેટા-ભાડે આપે, તો માલિક ભાડા અદાલત મારફતે મિલકત ખાલી કરાવી શકશે.


૭. કુદરતી આપત્તિમાં રાહત

પૂર ભૂકંપ કે ચક્રવાત જેવી કુદરતી આપત્તિના સમયે જો મિલકત રહેવા યોગ્ય ન રહે, તો ભાડુઆતને  ભાડામાંથી મુક્તિ મળશે અથવા કરાર લંબાવવાની વાજબી તક મળશે.


૮. પ્રોપર્ટી મેનેજરને કાનૂની માન્યતા (કલમ ૧૮)

કલમ ૧૮ મુજબ મકાન માલિક પોતાની સુવિધા માટે પ્રોપર્ટી મેનેજરની નિમણૂક કરી શકશે. પ્રોપર્ટી મેનેજરની ભૂમિકાને કાયદાકીય માળખામાં લાવી તેની ફરજો નિર્ધારિત કરવામાં આવી છે.


૯. ચોક્કસ સંસ્થાઓને મુક્તિ (કલમ ૩)

સરકારી પરિસરો, કંપનીઓ દ્વારા કર્મચારીઓને અપાતા સર્વિસ ક્વાર્ટર, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની માલિકીની મિલકતોને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે. 
જોકે, બંને પક્ષોની પરસ્પર સંમતિ હોય તો તેઓ આ કાયદા હેઠળ જોડાઈ શકે છે.

મંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું કે, "ગુજરાત ભાડા અધિનિયમ એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ગુજરાતના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી એક મહત્વની કડી છે. આ કાયદો મકાન માલિકને યોગ્ય ન્યાય અને ભાડૂઆતને આદરપૂર્વક જીવવાની છત આપે છે. આ વિધેયકથી રિયલ એસ્ટેટ માર્કેટમાં પારદર્શિતા આવશે, 'ઈઝ ઓફ લિવિંગ' વધશે અને રાજ્યમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ વધુ મજબૂત બનશે."

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે 'ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬' વિના વિરોધે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News