વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સત્તાવાર મુલાકાત માટે ઓમાન પહોંચ્યા ત્યારે પીએમ મોદીએ કાનમાં પહેરેલી એક નાની વસ્તુએ લોકોનું ધ્યાન ખેંચ્યું. લોકોને લાગ્યું હતું કે પીએમએ કાનમાં એરિંગ પહેર્યું છે. પણ વાસ્તવમાં તે એરિંગ નહોતું, રીયલ ટાઈમ ટ્રાન્સલેશન માટેનું ગેઝેટ હતું. આ ઉપકરણ રીઅલ-ટાઇમ અનુવાદ પ્રદાન કરે છે, જે બીજા વ્યક્તિની ભાષા સમજવામાં મદદ કરે છે. આવા ઉપકરણો ઘણીવાર ઉચ્ચ-સ્તરીય રાજદ્વારી બેઠકોનો ભાગ હોય છે.
તેનો ઉપયોગ બે લોકો વચ્ચે સ્પષ્ટ વાતચીત માટે થાય છે. પ્રધાનમંત્રી ઓમાનના નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબ બિન તારિક અલ સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે તેમના કાનમાં આ ઉપકરણ જોવા મળ્યું. અરબી ઓમાનની સત્તાવાર ભાષા છે. તેથી, બંને નેતાઓ વચ્ચે સરળ વાતચીત સુનિશ્ચિત કરવા માટે આ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે હેઠળ 98% નિકાસ કરમુક્ત રહેશે. આનો અર્થ એ છે કે ભારતમાંથી નિકાસ થતી 98% વસ્તુઓ ડ્યુટી-મુક્ત રહેશે. આમાં કાપડ, કૃષિ ઉત્પાદનો અને ચામડાની ચીજવસ્તુઓ સહિત અનેક શ્રેણીઓ શામેલ છે.