BREAKING NEWS

રાજકોટ CPએ નવરાત્રીને લઈ જાહેરનામું બહાર પાડ્યું, ચાર લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, જાણો માઈક સિસ્ટમ અને વાજીંત્રોના ઉપયોગ અંગેના નિયમો

  • October 06, 2026 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ખાતે હાલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેમજ આગામી દિવસોમાં વિવિધ તહેવારો આવી રહ્યા હોવાથી શહેરમાં સુલેહ-શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત આવશ્યક બન્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) - ૨૦૨૩ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૭(૩) અન્વયે એક મહત્વપૂર્ણ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.   

આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો છે, જેથી નાગરિકો સુરક્ષિત માહોલમાં તહેવારોની ઉજવણી કરી શકે. આ હુકમ અનુસાર તા. ૦૬/૧૦/૨૦૨૬ના કલાક ૦૦/૦૦થી તા. ૨૦/૧૦/૨૦૨૬ના કલાક ૨૩/૫૯ સુધી સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના વિસ્તારમાં અમલમાં રહેશે.   


ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા તથા સભા-સરઘસ પર પ્રતિબંધ

બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, પરવાનગી વગર કોઈપણ જાહેર જગ્યા કે રોડ ઉપર સામાન્ય સંજોગો સિવાય ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર તેમજ કોઈપણ પ્રકારની સભા બોલાવવા કે ભરવા અને સરઘસ કાઢવા ઉપર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીશ્રીઓને ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૨૨૩ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.   


સભા, સરઘસ, રેલી અને ધરણાં માટેના નિયમો તેમજ મંજૂરીની પ્રક્રિયા

જો કોઈ સંજોગોમાં સભા, સરઘસ, રેલી કે ધરણાં યોજવાની મંજૂરી મેળવવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટેના સ્પષ્ટ નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો એકથી વધુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આયોજન કરવાનું હોય તો સંબંધિત ડી.સી.પી.ને અને જો માત્ર એક જ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવતો હોય તો તેવા સંજોગોમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને ઓછામાં ઓછા ૭ દિવસ અગાઉ લેખિત અરજી કરી પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. આપેલી શરતોનું ચુસ્તપણે બિનચૂક પાલન કરવાનું રહેશે, અન્યથા પરવાનગી રદ ગણવામાં આવશે અને આયોજક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


માઈક સિસ્ટમ અને વાજીંત્રોના ઉપયોગ અંગેના નિયમો

સભા, સરઘસ કે રેલી દરમિયાન જાહેર જગ્યાઓમાં અથવા જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યાએ માઈક સિસ્ટમ કે વાજીંત્રનો ઉપયોગ અધિકૃત અધિકારીની લેખિત પરવાનગી સિવાય કરી શકાશે નહીં, તેમજ તેનાથી અવાજનું પ્રદૂષણ પણ ફેલાવી શકાશે નહીં. આવી મંજૂરી માટેની અરજી લેખિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની તેના પર સહી હોવી અનિવાર્ય છે.

માઈક સિસ્ટમ અને વાજીંત્રોના ઉપયોગ માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જે મુજબ તા. ૦૬/૧૦/૨૦૨૬ થી તા. ૧૦/૧૦/૨૦૨૬ સુધી સવારના ૦૬:૦૦ થી રાત્રિના ૨૨:૦૦ કલાક સુધી અને તા. ૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ સુધી સવારના ૦૬:૦૦ થી રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી જ ઉપયોગ કરી શકાશે. ઓડિટોરીયમ, કોન્ફરન્સ હોલ અથવા ખાનગી મકાન જેવા બંધ સ્થળોએ યોજાતા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો માટે વિશેષ મંજૂરી લેવાની આવશ્યકતા રહેતી નથી અને અંદરના ભાગે મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તેનો અવાજ સ્થળની બહાર ન જવો જોઈએ. નિયમોનો ભંગ કરનાર વાહનો, માઈક સિસ્ટમ તથા તેના સાધનો જપ્ત કરવાની સત્તા પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application