BREAKING NEWS

રાજકોટ મનપાનું ઘોડું દશેરા પહેલા દોડ્યું: 78 દુકાનમાં ચેકિંગ: 33 કિલો વાસી ફરસાણ-મિઠાઈનો નાશ

  • October 16, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દશેરાનો તહેવારો નજીક આવતા જ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ શાખા દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહીના ભાગરૂપે સર્વેલન્સ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કુલ ૭૮ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જુદી-જુદી પેઢીઓમાંથી ૩૩ કિલો જેટલો અખાદ્ય, વાસી અને એક્સપાયરી ડેટ વીતેલો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશનમાં બેદરકારી બદલ ત્રણ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને એક પેઢી પાસેથી રૂ.૫૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

સૌથી મોટી કાર્યવાહી રૈયા રોડ પર કરવામાં આવી હતી. તિરુપતિ નગરમાં આવેલ દાસ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી ૧૬ કિલો એક્સપાયરી ફરસાણ, ચિયા સીડ્સ અને મીઠાઈનો જથ્થો મળતા તેનો નાશ કરાયો હતો. જ્યારે રામકૃષ્ણનગર મેઇન રોડ પર આવેલ જાની લોચો એન્ડ ખમણ હાઉસમાંથી ફૂગ વાળી ડુંગળી અને ફ્રિજમાં રાખેલા વાસી સમોસા-ખમણ મળી કુલ ૧૭ કિલો જથ્થાનો નાશ કરાયો હતો અને પેઢીને નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત જ્યોતિનગર ચોક પાસે આવેલ જીજે-૫ સેન્ડવીચ એન્ડ પીઝા માં હાઈજેનિક કન્ડિશન અને લાયસન્સ બાબતે ગેરરીતિ જણાતા પેઢીને નોટિસ આપી રૂ.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તહેવારોને અનુલક્ષીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ શહેરની જાણીતી મીઠાઈ અને ફરસાણની દુકાનો જેવી કે શ્રીહરિ, પારસ, ઠક્કર, યોગી ફરસાણ, સદગુરુ, કચ્છ ખાવડાવાળા સહિતની દુકાનોમાંથી ફાફડા, ગાંઠિયા, જલેબી, મોળા સાટા, કાજુ કતરી, પેંડા અને બરફીના કુલ ૪૯ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ બાદ ભેળસેળ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુનિ. અધિકારીએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application