BREAKING NEWS

હિસાબ કરવા ગયા ને જેલભેગા થયા: રાજકોટમાં 14 વર્ષ પૂર્વેની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ત્રિપુટી પકડાઈ

  • August 17, 2026 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકમાં વર્ષ ૨૦૧૨ માં થયેલી ૧૨ લાખની રોકડની ચકચારી લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી ત્રિપુટીને ઝડપી લીધી છે. ત્રિપુટીને પોપટપરા નજીકથી દબોચી અઢી લાખની રોકડ કબ્જે કરી હતી. લૂંટ સમયે આરોપી અફઝલ ઉર્ફે સદામે લીધેલા વધારાના રૂ. 2.50 લાખ પરત આપવા આવતા જ પોલીસે ત્રણેયને દબોચી દોઢ દાયકા જુના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.


ગત ફેબ્રુઆરી, 2012માં સિવિલ હોસ્પિટલ નજીક રહેતા 50 વર્ષીય ગ્રોસરીના વેપારી હાતિમભાઈ ફિદાઅલી કાથાવલી તેમની લાતી પ્લોટમાં આવેલ એ.કે. એન્ટરપ્રાઇઝ પેઢી ખાતેથી હિસાબ લઇ રાત્રીના નવ વાગ્યે એકટિવા લઇ ઘરે જતા હતા ત્યારે ઠાકર હોટેલ પાછળ પહોંચતા આરોપીઓ એક મોટર સાયકલ ઉપર ધસી આવ્યા હતા. ફરિયાદી વેપારીના આંખમાં મરચાની ભૂકી છાંટી મારકૂટ કરી રૂ. 12 લાખની રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. તે સમયે સીસીટીવી ફૂટેજનો અભાવ હોવાથી આરોપીઓની ઓળખ થઇ શકી ન હતી, પરિણામે સમગ્ર ચકચારી લૂંટનો બનાવ અનડિટેક્ટ રહ્યો હતો.


શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયા દ્વારા મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ.એસ. ચાવડા, એમ એલ ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ટીમો જુના અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવા પ્રયત્નશીલ હતી. દરમિયાન પીએસઆઇ એસ.એમ. રાણા તથા ટીમ તપાસમાં હતી તેવામાં હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડા અને ધર્મરાજસિંહ રાણાને હકીકત મળી હતી કે, વર્ષ 2012માં થયેલી લૂંટના ગુનાના આરોપીઓ હાલ પોપટપરા સેન્ટ્રલ વેર હાઉસથી આગળ કૈલાશધામ સ્મશાનની સામે નવા બનતા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં હાજર છે. જેથી તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચની ટીમે અહીં દોડી જઈ અબઝલ ઉર્ફે સદામ અહેમદભાઈ દલવાડી (ઉવ 37 રહે. રઘુનંદન સોસાયટી શેરી નં.-5/1 નો ખૂણો, પોપટપરા મેઇન રોડ, રાજકોટ), રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા (ઉવ 41 રહે. કૃષ્ણનગર શેરી નં.-1, પોપટપરા મેઇન રોડ, રાજકોટ) અને ઈકબાલ ભીખુભાઈ શેખ (ઉવ 40 રહે. પોપટપરા શેરી નં.-14 નો ખૂણો, રેલનગર, રાજકોટ)ની ધરપકડ કરી તેમના કબજામાંથી રૂ. 2.50 લાખની રોકડ કબજે કરી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ 14 વર્ષ જુના લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, વ્હોરા વેપારી પાસેથી રૂ. 12 લાખની રોકડ લૂંટી લીધા બાદ અફઝલ ઉર્ફે સદામને વધુ નાણાંની જરૂરિયાત હોય તેને પ્રથમ રૂ. 2.50 લાખ આપી બાકી રહેલા નાણાંની એક્સરખી ભાગબટાઈ કરી લીધી હતી. અફઝલે વધારાના લીધેલા નાણાંને 14 વર્ષ બાદ પણ પરત ન આપતા ત્રિપુટી વચ્ચે માથાકૂટ ચાલતી હતી. દરમિયાન આ નાણાં અંતે સદામે પરત આપવાની તૈયારી બતાવતા ત્રણેય શખસો પોપટપરા નજીક એકત્રિત થયાં હતા અને અઢી લાખની ભાગ બટ્ટાઈ કરતા હતા તે દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રાટકી ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી હતી.


ટોળકીએ પોપટપરામાં પણ લૂંટને અંજામ આપ્યો'તો

ત્રણેય લૂંટારૂઓએ હોસ્પિટલ ચોક નજીક લૂંટ ચલાવ્યા બાદ પોલીસ તેને પડકી નહીં શકતા તેમની હિંમત વધી હતી. અફઝલ અને રાકેશે સાથે મળીને પોપટપરા નજીક લૂંટને અંજામ આપ્યો હતો પણ તે ગુનામાં બંને આરોપીઓની ધરપકડ થઇ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application