જામનગર મહાપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ૧૦ સભ્યો ઉપરાંત મેયર, ડે.મેયર, મ્યુ.કમિશ્નર, ડીએમસી, સીટી ઇજનેર, આસી.કમિશ્નર હાજર રહ્યા હતાં અને આ કમીટીમાં શહેરના રસ્તા, સીસી રોડ, કેનાલ સહિતના અનેક વિકાસ કામોને મંજુરીની મહોર મારી દેવામાં આવી છે, ઉપરાંત જામનગર શહેરની તમામ મિલ્કતોનું ડીઝીટલાઇજેશન કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે.
૧૫ દિવસે મળતી સ્ટે.કમીટીની બેઠક હવે અઠવાડીયે-અઠવાડીયે મળી રહી છે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિકાસના કામો શરૂ કરવાની દરખાસ્ત પણ મંજુર કરી દેવામાં આવે છે, ગઇકાલે ચેર ઉપરથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતર માળખાકીય સુવિધા ૨૦૨૫-૨૬ ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૯માં દિપક ટોકીઝથી ચાંદીબજાર, પોસ્ટ ઓફીસ તેમજ ચાંદીબજાર સર્કલથી માંડવી ટાવર સુધીનો રસ્તો સીસી રોડ બનાવવા રૂ.૪૦૧.૬૪ લાખ એટલે કે ૪ કરોડની રકમ મંજુર કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ચેર ઉપરથી વોર્ડ નં.૧૫માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અનુદાનથી તેમજ લોક ભાગીદારીથી ખાનગી અને ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં અઢી કરોડના ખર્ચે સી.સી.રોડ અને સી.સી.બ્લોકની દરખાસ્ત મંજુર કરાઇ છે, ઉપરાંત વોર્ડ નં.૮માં ખાનગી સોસાયટી અને હાઉસીંગ બોર્ડની વસાહતમાં અને લોક ભાગીદારીથી અઢી કરોડના ખર્ચે સી.સી. રોડ, સી.સી.બ્લોક કરવા માટેની મ્યુ.કમિશ્નરની દરખાસ્તને મંજુરી અપાઇ છે. ઉપરાંત વોર્ડ નં.૮માં એવી જ રીતે લોક ભાગીદારી અને હાઉસીંગ બોર્ડની વસાહતોમાં રૂ.અઢી કરોડ સી.સી.રોડ અને સી.સી.બ્લોક માટે મંજુર કરાયા છે.
કોર્પોરેશન દ્વારા આયોજીત સાયકલોથોન ઇવેન્ટ રૂટમાં આસ્ફાલ્ટ પેચવર્ક અને રી-કાર્પેટીંગ માટે રૂ.૫૫.૧૧ લાખનું ખર્ચ એક ઝાટકે મંજુર કરી દેવાયું છે. વોર્ડ નં.૧૩માં રસ્તા, સી.સી. રોડ અને બ્લોક માટે રૂ. અઢી કરોડ, વોર્ડ નં.૧૪માં એવી જ રીતે રૂ.અઢી કરોડ, વોર્ડ નં.૧૧માં ગુજરાત ગેસ પમ્પથી નવનાલા સુધી અને યોગેશ્ર્વરનગરથી હાપા રેલ્વે યાર્ડ સુધીનો ૩૦ મીટર સુધીનો રસ્તો પહોળો કરવા અને સીસી રોડ બનાવવા રૂ.૧૦૯૬.૬૧ લાખ, વોર્ડ નં.૧૦માં પોટરી ગલીમાં પોસ્ટઓફીસથી સતવારા સમાજ થઇ ઇન્દીરા રોડના પમ્પ તેમજ ધણશેરીની ખાડથી પેટ્રોલ પંપ સુધીના રસ્તામાં પણ રૂ.૧૬૩.૬૧ લાખના ખર્ચે સી.સી.રોડ બનાવવા મંજુરીની મ્હોર મારી દેવાઇ છે.
આ ઉપરાંત વોર્ડ નં.૧૫માં કનસુમરા પાટીયાથી સર્વે નં.૧૩૨૭ થી ૧૩૦૭ થી ૧૩૮૦ સુધી જામનગર-રાજકોટ હાઇવે પર સીસી રોડ બનાવવા રૂ.૪૭.૮૪ લાખ ત્યારબાદ ગાંધીનગર સ્મશાનની કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ.૨૧.૭૩ લાખ, વોર્ડ નં.૧, ૬, ૭માં આંતર માળખાકીય સુવિધા માટે રૂ.૨૦ લાખ, ડીઝાઇન ડેવલપમેન્ટ ઇમ્પ્લીમેન્ટેન્શન અને મેઇન્ટેનન્સ ઓફ સ્પેશ્યલ ઇનીબલ વેવ પોર્ટલ યુઝીંગ લોકેશન ઇર્ન્ફોમેશન સિસ્ટમ માટે રૂ.૮૮૮.૧૪ લાખ, હોટલ વિશાલથી સત્યમકોલોની અન્ડરબ્રિજની જોડતી કેનાલ માટે બોકસ બનાવવા રૂ.૩૯૨.૭૭ લાખ, દડીયાથી રણજીતસાગર રોડ સુધી આસ્ફાલ્ટ પેચ વર્ક અને રી-કાર્પેટીંગ માટે રૂ.૩૩.૧૦ લાખ, ગણેશ મહોત્સવમાં સરદાર રિવેરામાં આવેલ જમીન ફીલીંગ કરવા રૂ.૧૨.૪૯ લાખ, વોટર વર્કસ સબ ઇન્સ્પેકટરની જગ્યામાં વધારો કરવાની દરખાસ્તને જનરલ બોર્ડમાં ભલામણ કરવા માટે મોકલી આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
જામ્યુકો દ્વારા ડીઝીટલાઇજેશન સાથેના પોર્ટલ માટે રૂ.૮.૮૫ કરોડનું ખર્ચ મંજુર
જામનગર શહેરમાં રૂ.૮.૮૫ કરોડના ખર્ચે નવું પોર્ટલ બનાવવામાં આવશે, જેમાં તમામ મિલ્કતોની વિગતો નાગરીકો નકશા સાથે જોઇ શકશે, જીઆઇએસ સોફટવેર દરેક પ્રોપર્ટીના નકશાંકન અને જોડાણ સાથે મિલ્કત વેરાની વસુલાતની યોગ્ય સમજ પુરી પાડશે અને તંત્રના ચોપડામાં ન આવેલી મિલ્કતોની પણ ઓળખ કરી આપશે. સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ કરીને જમીન ઉપયોગમાં ફેરફારની શોધ કરશે તેથી વિકાસની પેર્ટન સામે ખુલ્લી જમીનો બાંધકામમાં તબદીલ થવાથી શહેરના ગ્રીન કવરમાં ગેરકાયદેસર દબાણોની વિગત વહીવટી સીમાઓ, માસ્ટર પ્લાન, ટીપી સ્કીમ, રસ્તા, પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ ડેટા તમામ માહિતી અધિકારીઓને મળી રહેશે અને આ માહિતી સેટેલાઇટ ઇમેજો સાથે એકત્રીત કરાશે અને નાગરીકો પણ આ પોર્ટલમાં નકશા તેમજ કોર્પોરેશનની સેવાઓની માહિતી અને તેના સ્થળના લોકેશન જોઇ શકશે.
જીઆઇએસ સોફટવેરનું કાયમી લાયસન્સ રહેશે તે એડવાન્સ ફીચર્સ સાથે તમામ ટુ-ડી અને થ્રી-ડી નકશા અને વિશ્ર્લેષણને સપોર્ટ કરે છે તેમજ કર્મચારીઓને તેમના જીઆઇએસ વપરાશ અને જરીયાત માટે પણ સપોર્ટ કરશે, ડ્રોન ડેટાનો પણ સપોર્ટ મળશે તેથી ડ્રોનનો ઉપયોગ કરીને ડેટા જનરેટ કરવાનો રહેશે, કેટલીક મહત્વપૂર્ણ ઇવેન્ટ દરમ્યાન જનરેટ કરવા માટે પણ તે ફાયદાકારક છે. પીએમ ગતિ શકિત, પોલીસ વિભાગ અને કોઇપણ જીઆઇએસ નાગરીક સેવાઓ અને જાહેરાત માટે પણ ઉપયોગી થશે, નાગરીકો પ્લોટનો નકશો અને કોર્પોરેશન દ્વારા પુરી પાડતી તમામ સુવિધાની પણ જાણકારી મળી શકશે.