BREAKING NEWS

US સેનાએ ઈરાનના ત્રણ ઓઈલ ટેન્કરો પર કર્યા હવાઈ હુમલા, ઈરાને બે જહાજોને બનાવ્યા હતા નિશાન

  • September 06, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી સેના દ્વારા ઈરાન સામે મોટું પગલું ભરવામાં આવ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ શનિવારે (૫ સપ્ટેમ્બર) ઈરાનના ત્રણ ક્રૂડ ઓઈલ ટેન્કરોને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા અમેરિકી જહાજો પર મિસાઈલ હુમલો કર્યા બાદ આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ખુલ્લા સંઘર્ષમાં ફેરવાઈ રહ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, શનિવારે (૫ સપ્ટેમ્બર) અમેરિકી દળોએ ઈરાનના ત્રણ ક્રૂડ ઓઈલ ટેન્કરો પર સચોટ હુમલા કર્યા હતા, જેમાંનું એક ટેન્કર ઈરાનના મુખ્ય ઓઈલ એક્સપોર્ટ હબ ગણાતા ખાર્ગ આઈલેન્ડ (Kharg Island) ના દરિયાકાંઠે તૈનાત હતું.


શા માટે કરવામાં આવ્યા હુમલા?
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ સૈન્ય કાર્યવાહી ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા બે અમેરિકી નેવીના જહાજો પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યા બાદ કરવામાં આવી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડના વમુખી એડમિરલ બ્રેડ કૂપરે આ અંગે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "આઈઆરજીસી (IRGC) માટે સંદેશ સ્પષ્ટ રહેવો જોઈએ. જો તમે અમારા બે જહાજો પર ગોળીબાર કરશો, તો અમે તેનાથી પણ મોટો આર્થિક ફટકો આપીને તમારા ત્રણ જહાજો નષ્ટ કરીશું." સાથે જ, યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, "આ સાવ સરળ છે: જો ઈરાન અમેરિકી જહાજો પર હુમલો કરશે, તો અમે તેમના ઓઈલ ટેન્કરોને નષ્ટ (અને ડૂબાડી) દઈશું."


ઈરાની મીડિયાનો દાવો અને જાનહાનિના અહેવાલ
ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી 'તસ્નીમ' (Tasnim) ના અહેવાલ મુજબ, ખાર્ગ ટાપુના એન્કરેજ વિસ્તારમાં એક ટેન્કર પર ચાર અમેરિકી મિસાઈલો ફટકાઈ હતી. સ્થાનિક સૂત્રોને ટાંકીને એજન્સીએ દાવો કર્યો છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટેન્કરના ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવી રહ્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આ ઘટનામાં કોઈ પણ અમેરિકી કર્મચારીને નુકસાન પહોંચ્યું નથી.


​​​​​​​ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા દ્વારા ઈરાન પર શરૂ કરાયેલા હુમલાઓ બાદ આ તાજેતરનો તણાવ વૈશ્વિક ઊર્જા પુરવઠા (global energy supplies) ને ગંભીર રીતે જોખમમાં મૂકી રહ્યો છે, જે વૈશ્વિક રાજકારણ અને અર્થવ્યવસ્થા માટે ચિંતાનો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application