ભારતીય શેરબજાર અને કોર્પોરેટ જગતમાં એક એવો ભૂકંપ આવ્યો છે જેણે મોટા-મોટા રોકાણકારોના હોશ ઉડાવી દીધા છે. બજાર નિયામક સેબી (SEBI) એ પોતાના એક સત્તાવાર વચગાળાના આદેશમાં સોનાની રિફાઇનિંગ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની દેશની અગ્રણી કંપની 'રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ' (REL) અને તેના પ્રમોટર રાજેશ મહેતા પર રૂ. ૧૫.૧૫ લાખ કરોડ (આશરે ૧૫૮ અબજ ડોલર) ની નાણાકીય હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. આ આંકડો એટલો વિશાળ છે કે તેની સરખામણી ભારતના અનેક વર્ષોના સંરક્ષણ બજેટ સાથે કરવામાં આવી રહી છે.
ફર્શ પરથી અર્શ સુધી
કોણ છે રાજેશ મહેતા?
બેંગલુરુના જૈન પરિવારમાં જન્મેલા રાજેશ મહેતાએ ૧૯૮૮માં પોતાના ભાઈ પ્રશાંત મહેતા સાથે મળીને કૌટુંબિક સોનાનો નાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
વૈશ્વિક સામ્રાજ્ય:- વર્ષ ૨૦૧૫માં તેમણે સ્વિસ ગોલ્ડ રિફાઇનરી 'વાલકામ્બી' (Valcambi) નું અધિગ્રહણ કરીને દુનિયાની સૌથી મોટી ગોલ્ડ પ્રોસેસિંગ કંપની પર કંટ્રોલ મેળવ્યો હતો. કંપની દાવો કરે છે કે તે દુનિયાના કુલ સોનાના ઉત્પાદનનો ૩૫% હિસ્સો પ્રોસેસ કરે છે.
સેબીનો સપાટો:-વર્ષ ૧૯૯૫ થી શેરબજારમાં લિસ્ટેડ આ કંપનીના અબજોના ટર્નઓવરને કારણે રાજેશ મહેતાને 'ગોલ્ડ કિંગ' ગણવામાં આવતા હતા, પરંતુ હવે તેઓ સીધા સેબીના સિકંજામાં આવી ગયા છે.
SEBI ના ૧૦૯ પાનાના રિપોર્ટમાં થયેલા ચોંકાવનારા ખુલાસાસેબીની તપાસમાં બહાર આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે કંપનીએ પોતાની કમાણી માત્ર કાગળ પર વધારીને બતાવી હતી
૯૯% કમાણી માત્ર કાગળ પર
સેબીના મતે, રાજેશ એક્સપોર્ટ્સની વિદેશી પેટાકંપનીઓ (Subsidiaries) દ્વારા દર્શાવવામાં આવેલી ૯૯.૮% કમાણી તદ્દન નકલી અને માત્ર ચોપડા પર ટર્નઓવર ફુલાવવા માટે ઉભી કરાઈ હોવાની આશંકા છે.
શેલ એકાઉન્ટ્સ અને સટ્ટાબાજી
તપાસમાં અમદાવાદની એક નાની બ્રોકિંગ ફર્મ 'એફ્લુઅન્સ શેર્સ' નું નામ ખુલ્યું છે. કંપનીએ કાગળ પર આ ફર્મ સાથે રૂ.11400 કરોડથી વધુની ખરીદ-વેચાણ બતાવી, પરંતુ GST રેકોર્ડ્સમાં આવો કોઈ વ્યવહાર જ નથી. સેબીનો આરોપ છે કે આ નકલી એન્ટ્રીઝ રાજેશ મહેતાના અંગત શેર
સટ્ટાબાજીના કરોડોના નુકસાનને છુપાવવા અને કંપનીના નાણાં ડાયવર્ટ કરવા માટે કરવામાં આવી હતી.
ટ્રેડિંગ પર પ્રતિબંધ અને ફોરેન્સિક ઓડિટનો આદેશઆ ગંભીર કૌભાંડ સામે આવ્યા બાદ સેબીએ તાત્કાલિક પગલાં લેતા તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાજેશ મહેતાના શેરબજારમાં ટ્રેડિંગ કરવા કે સિક્યોરિટીઝ ખરીદવા-વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ કંપનીના તમામ ખાતાઓનું નવેસરથી કડક 'ફોરેન્સિક ઓડિટ' કરવાનો આદેશ જારી કરાયો છે.
કંપનીની સફાઈ અને શેર બજારમાં ધબડકોઆ આદેશ બહાર આવતાની સાથે જ રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં 5% ની લોઅર સર્કિટ લાગી ગઈ હતી અને શેર ધડામ થઈને ખાબક્યો હતો. બીજી તરફ, આરોપોને નકારતા કંપનીએ સફાઈ આપી છે કે સેબીને કોઈ 'ગેરસમજ' થઈ છે. તેમણે સ્વિસ રિફાઇનરીના ઓપરેટિંગ પ્રોફિટ (EBITDA) ને રેવેન્યુ સમજી લીધું છે. કંપની સેબીને તમામ સાચા દસ્તાવેજો સોંપીને સહયોગ કરશે.
LIC ના કરોડો રૂપિયા દાવ પર!આ ખુલાસા બાદ કોર્પોરેટ ગવર્નન્સ પર મોટા સવાલો ઉભા થયા છે. સરકારી વીમા કંપની LIC (લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન) ની આ કંપનીમાં ૧૦.૮૦% ની મોટી ભાગીદારી છે, જેના કારણે એલઆઈસીના કરોડો રૂપિયા અને સામાન્ય જનતાના રોકાણ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.