બિલ્ડિંગના માર્જિન પાર્કિંગમાં દુકાનદારો દ્વારા કરાતા અસ્થાયી દબાણો એવા હોય છે કે દુકાન ખુલી હોય ત્યાં સુધી બહાર દબાણ હોય અને દુકાન બંધ કરવાના સમયે દુકાનદાર બિલ્ડિંગના માર્જિન પાર્કિગમાં મુકેલી ચીજ વસ્તુઓના પથારાનો જાતે જ સંકેલો કરી લ્યે એટલે દબાણ દૂર થઇ જાય ! રાજકોટ મહાપાલિકાની દબાણ હટાવ બ્રાન્ચને આ બાબત ખૂબ પસંદ પડી ગઇ છે. દિવસે દબાણ હોય ત્યારે ફરિયાદ મળે અને રાત્રે દુકાન બંધ થાય ત્યારે દબાણ દૂર થઇ જાય એટલે ફોટોગ્રાફી કરી દબાણ દૂર કરી ફરિયાદ ઉકેલાઇ ગયાની સતાવાર નોંધ કરાય છે. આ રીતે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉપરી અધિકારીઓ અને ફરિયાદી નાગરિકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. વિશેષમાં જે તે કોમ્પ્લેક્સના દુકાનદારને તમારી દુકાન બહાર દબાણ છે, ફરિયાદ મળી છે કહી પ્રસાદીનો વહીવટ પણ કરવામાં આવે છે.
વિશેષમાં તાજેતરમાં સામે આવેલા ઉપરોક્ત કિસ્સા અંગે નિર્મલા રોડના રહીશોએ આજકાલ દૈનિક સમક્ષ જણાવેલી હકીકત મુજબ, નિર્મલા સ્કૂલથી હનુમાન મઢી ચોક તરફ જતા સ્કુલથી થોડે આગળ અને સ્કૂલની સામેના ભાગે આવેલા ઓમકાર કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મદ્રાસ કાફે નામનું રેસ્ટોરન્ટ તેમજ અન્ય દુકાનો આવેલી છે જેના માર્જિન પાર્કિગમાં મુખ્યત્વે મદ્રાસ કાફેનું દબાણ છે જેના કારણે તેને ત્યાં આવતા ગ્રાહકોના ટુ વ્હીલર અને કાર વિગેરે રોડ સુધી પાર્ક થાય છે તેના કારણે આજુબાજુની સોસાયટીઓના રહીશોને તકલીફ પડે છે અને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ટ્રાફિકના પિક અવર્સમાં સાંજથી રાત્રિ સુધી કાફેનો પથારો માર્જિન પાર્કિંગ સુધી અને ક્યારેક તો રોડ સુધી પથરાયેલો રહે છે. આ મામલે અગાઉ અનેક વખત લતાવાસીઓ ફરિયાદ કરી ચૂક્યા છે, દરમિયાન ગત રાત્રે ત્યાં આગળ દબાણોને કારણે ટ્રાફિક જામ થતા નાગરિકોએ રાત્રે ૯:૧૨ મિનિટ દબાણો અંગે ફરિયાદ નોંધાવી હતી, દબાણ હટાવ બ્રાન્ચ એ ઉપરોક્ત મુજબની જાદુગરી કરી દુકાનો બંધ થયા બાદ મતલબ કે પથારો હટાવી લેવામાં આવ્યા બાદ રાત્રે ૧૦:૫૯એ ફરિયાદ સોલ્વ કરી નાખી હતી અને ફરિયાદ ઉકેલાઇ ગયાનો ઓફિસિયલ સિસ્ટમ બેઇઝ્ડ મેસેજ પણ ફરિયાદી નાગરિકને મોકલી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application