ગોંડલની પરિણીતાને સહેલીના મિત્રએ મોડી રાત્રીના ફોન કરી તમારી સહેલીનો ફોન લાગતો નથી, બીજો નંબર આપો કહી ગાળો ભાંડી પરિણીતા અને તેના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતાં ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
બનાવ અંગે મૂળ ગોંડલના વતની અને હાલ રાજકોટના નિર્મળા રોડ વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પરિણીતાએ ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયપુરના દીપેશ રમાકાંત ડ્રોલિયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઇ તા.૩૧/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે દોઢ વાગ્યે તે ઘરે સૂતા હતા ત્યારે મોબાઈલ પર મમારી સહેલીના મિત્ર દિપેશ રમાકાંતભાઈ ડ્રોલીયાએ ફોન કરી તમારી સહેલીનો ફોન લાગતો નથી, જેથી તેના બીજા નંબર આપો તેમ જણાવેલ હતું. જેથી ફરિયાદીએ ત્યારે દિપેશને કોઈ જવાબ આપ્યો ન હતો. બાદ તે અવાર નવાર અલગ અલગ નંબરથી ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો જેથી દિપેશનો નંબર બ્લોક કરી દીધેલ હતો.
બાદ દિપેશ મને આશરે બે મહીનાથી અલગ અલગ ફોન નંબરથી હેરાન કરતો હતો અને ગાળો આપતો હતો. ગઇ તા.૦૧/૦૧/૨૦૨૬ ના રાત્રીના આશરે એક વાગ્યાની આસપાસ અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને મહિલા તથા મારા પતિ અને પરીવારને મારી નાખવાની ધમકી આપી બેફામ ગાળો આપેલ હતી. જેથી અંતે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં રહી શિક્ષિકા તરીકે ખાનગી શાળામાં ફરજ બજાવતી મહિલાને પૂર્વ પ્રેમી દીપેશ ડ્રોલિયા અલગ અલગ ફોન નંબરથી ફોન કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતો. જે અંગે પરિણીતાએ ગત તા. 28/12 ના રોજ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.