દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં વપરાયેલી કાર સાંજે 4 વાગ્યાની આસપાસ સુનહરી મસ્જિદ પાર્કિંગ લોટમાં પ્રવેશી હતી અને બે કલાક સુધી ત્યાં રહી હતી. કારને ત્યાં છોડી દેવાનો હેતુ શું હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. એવું પણ જાણવા મળ્યું છે કે વિસ્ફોટ સમયે કારમાં ત્રણ લોકો હતા.તપાસમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે, યુ-ટર્ન લેતા પહેલા અને લોઅર સુભાષ માર્ગ પર વળતા પહેલા કાર છટ્ટા રેલ ચોક તરફ જઈ રહી હતી. સીસીટીવી ફૂટેજમાં કાર સિગ્નલની નજીક આવી રહી હતી અને વિસ્ફોટ પહેલા ધીમી પડી રહી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે કારમાં સવાર ત્રણેય શંકાસ્પદો વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા.
બદરપુર બોર્ડથી દિલ્હીમાં પ્રવેશી હતી હુમલામાં વપરાયેલી કાર
દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી આઈ20 કાર અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. આ કાર દિલ્હી અને હરિયાણાને જોડતી બદરપુર બોર્ડર દ્વારા દિલ્હીમાં પ્રવેશી હતી. પોલીસ કારનું સીસીટીવી મેપિંગ કરી રહી છે.
સલમાન કારનો સાચો માલિક નહીં
દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તે કારનું રજિસ્ટ્રેશન સલમાનના નામે હોવાનું કહેવાય છે. તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે. જોકે તેણે ખુલાસો કર્યો છે કે આ કાર તેણે દેવેન્દ્ર નામની વ્યક્તિને વેચી દીધી હતી. તે હરિયાણાનો જ રહેવાશી હતો. હવે પોલીસ આ દેવેન્દ્રને શોધી રહી છે. એવું કહેવાય છે કે દેવેન્દ્રએ આ કાર અંબાલામાં કોઈને આગળ વેચી દીધી હતી.
વિસ્ફોટના કારણે પાકિસ્તાનમાં ઈમરજન્સી બેઠક: રાજસ્થાન સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું
રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટથી પાકિસ્તાનમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. આ આત્મઘાતી હુમલાથી પાકિસ્તાન એટલું ગભરાઈ ગયું છે કે ત્રણેય સેનાના વડાઓએ ઈમરજન્સી બેઠક બોલાવી છે અને પાકિસ્તાની વાયુસેનાએ રાજસ્થાન સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે ગઈકાલે મોડી રાત્રે પોલીસ મહાનિર્દેશક (ડીજી) આઈએસઆઈ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) સાથે બેઠક બોલાવી હતી.
દિલ્હી બ્લાસ્ટને કારણે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી
દિલ્હી બ્લાસ્ટને પગલે અમેરિકાના દૂતાવાસે ભારતમાં રહેતા તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી હતી. દૂતાવાસે તેની વેબસાઈટ પર જણાવ્યું કે 10 નવેમ્બર 2025 ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તેમાં અનેક લોકોના ઘાયલ અને મોતની જાણકારી મળી છે. હાલ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. અમારી નાગરિકોને સલાહ છે કે તે લાલ કિલ્લા, ચાંદની ચોક અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહે અને સ્થાનિક મીડિયા દ્વારા સતત અપડેટ મેળવતા રહે અને સાવચેત રહે.
બ્રિટને તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન બોર્ડરથી દસ કિમી દૂર રહેવા સલાહ આપી
બ્રિટિશ વિદેશ કાર્યાલયે તેના નાગરિકોને એક સલાહ જારી કરી છે, જેમાં તેમને ભારત-પાકિસ્તાન સરહદથી ઓછામાં ઓછા 10 કિલોમીટર દૂર રહેવા સલાહ આપી છે. વધુમાં, તેમણે જમ્મુ અને કાશ્મીરની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. યુએસ એમ્બેસીએ પણ આ હુમલાની નિંદા કરી છે અને તેના નાગરિકોને ભારે વરસાદવાળા વિસ્તારો ટાળવાની સલાહ આપી છે. ફ્રેન્ચ એમ્બેસીએ પણ તેના નાગરિકોને સતર્ક રહેવા અને ભીડ ટાળવા વિનંતી કરી છે. ઈરાન અને ઇજિપ્ત સહિત અન્ય દેશોએ આ હુમલાની નિંદા કરી છે અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.