રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર કે.આર.સુમરાની સુરત બદલી થતા તેમણે ચાર્જ લિવ કર્યા બાદ રાજકોટ મહાપાલિકા ફરી ટીપીઓ વિહોણી બની હતી. ખાસ કરીને આ કારણે ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાની કામગીરી શરૂ થઇ શકી ન હતી. દરમિયાન હવે શહેરી વિકાસ વિભાગે રાજકોટ મનપાના ટીપીઓની ખાલી પડેલી પોસ્ટનો ચાર્જ રાજકોટ સ્થિત પ્રવર કચેરીના ટીપીઓ આર.ડી.પરમારને સોંપવા ગત સાંજે હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
આજકાલ દૈનિકમાં તા.૫-૧૧-૨૦૨૫ના અંકમાં ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાની કામગીરી ટીપીઓના અભાવે શરૂ જ નહીં થઇ શકી હોવાનો વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો જેના ગણતરી કલાકોમાં શહેરી વિકાસ વિભાગે ચાર્જ સોંપણીનો ઉપરોક્ત હુકમ કર્યો હતો. આજકાલમાં પ્રસિધ્ધ અહેવાલમાં એવો પણ સ્પષ્ટ નિર્દેશ અપાયો હતો કે આર.ડી.પરમારને ચાર્જ સોંપાય તેવી પ્રબળ શક્યતા છે.
દરમિયાન આર.ડી.પરમારે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત સાંજે તેમને રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરનો ચાર્જ સોંપવાનો હુકમ કરાયો હતો, હાલ તેઓ જોઇનિંગ લિવ ઉપર છે અને આગામી સપ્તાહમાં તા.૧૦ અથવા ૧૧ નવેમ્બર આજુબાજુ રાજકોટ મનપામાં ચાર્જ સંભાળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આર.ડી.પરમાર અગાઉ જુનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટીપીઓ તરીકે તેમજ જૂનાગઢ કોર્પોરેશનમાં પણ ઇન્ચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. રાજકોટ ખાતે તેમનું મૂળ પોસ્ટિંગ રૂડા બિલ્ડિંગ સ્થિત પ્રવર કચેરીમાં છે અને મનપામાં ઇન્ચાર્જ ટીપીઓ તરીકે ફરજ બજાવશે.