ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073 ના ક્રેશ પ્રયાસના કેસમાં એક નવો દાવો સામે આવ્યો છે. ઇઝરાયલી મીડિયા અનુસાર, કો-પાયલટે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તેનો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો ઇરાદો હતો. અગાઉ મળેલી માહિતી અનુસાર, કો-પાયલટની ઓળખ હમામ અલ-હમામી તરીકે થઈ છે, જે એક ઓમાની નાગરિક છે
અહેવાલો અનુસાર, ૨૯ વર્ષીય ઓમાની નાગરિક હમામે ૨૦૨૪માં ઓમાન એર સાથેની તાલીમ દરમિયાન સુરક્ષા સંબંધિત ચિંતાઓ ઊભી કરી હતી. ફ્લાયદુબઈની ઘટના બાદ હમામની ભૂતકાળની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પણ તપાસના દાયરામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે તેની સાથે જોડાયેલી લિંક્ડઈન પ્રોફાઇલમાં ઓમાન એરમાં તેની રોજગારીનો ઉલ્લેખ હતો. આ પ્રોફાઇલ હવે દૂર કરવામાં આવી છે. અહેવાલમાં રાજદ્વારી સૂત્રને ટાંકીને જણાવાયું છે કે તેના વિચારોને કારણે તેને ફ્લાઇટ તાલીમમાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને બાદમાં અલગ ભૂમિકા સોંપવામાં આવી હતી. કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે તે સીરિયામાં રહેતો હતો અને ત્યાં કથિત રીતે કટ્ટરપંથી વિચારધારાઓના સંપર્કમાં આવ્યો હતો, જોકે આ દાવાઓ અંગેની સંપૂર્ણ વિગતો ચાલુ તપાસનો વિષય છે.
હમામના ભૂતકાળના કારકિર્દીના રેકોર્ડ્સ રોયલ એર મારોક સાથેના જોડાણનો પણ ખુલાસો કરે છે. મોરોક્કન વેબસાઇટ લે ડેસ્ક અનુસાર, તેણે ત્યાં લગભગ ત્રણ મહિનાની સૈદ્ધાંતિક તાલીમ લીધી હતી, જોકે એરલાઇને જણાવ્યું છે કે તે સમયગાળા દરમિયાન તેણે વિમાન ઉડાવ્યું ન હતું. તેની (હવે દૂર કરાયેલી) લિંક્ડઈન પ્રોફાઇલ સૂચવે છે કે તે ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ઓમાન એર સાથે સંકળાયેલો હતો, ત્યારબાદ રોયલ એર મારોકમાં જોડાયો અને પછી ફ્લાયદુબઈમાં ગયો. તેની કારકિર્દીના આ તબક્કા અંગે વિવિધ અહેવાલોમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળે છે. ફ્લાયદુબઈની ફ્લાઇટમાં શું બન્યું?
૩૦ સપ્ટેમ્બરના રોજ, ફ્લાયદુબઈની ફ્લાઇટ એફઝેડ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. ઉડાન દરમિયાન, સહ-પાયલટ હમ્મામ અલ-હમામીએ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કથિત રીતે હુમલો કર્યો. અહેવાલો અનુસાર, હુમલા બાદ વિમાન ઝડપથી નીચેની તરફ જવા લાગ્યું હતું. કેપ્ટન મચ્છર કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા, ત્યારબાદ વિમાનમાં સવાર મુસાફરો અને રિઝર્વ પાયલટોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી. વિમાનનો માર્ગ બદલીને તેને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવ્યું, જ્યાં તેણે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રહ્યા.