BREAKING NEWS

મારી ફૂલ જેવી દીકરીને કચડી નાંખી, મેં એની અંતિમવિધિ નથી કરી...રાજકોટમાં હોન્ડા સિટીકાંડમાં પુત્રી ગુમાવનાર માતાની વ્યથા

  • November 30, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હું મારી દીકરીને સ્કૂલેથી લેવા જતી હતી. હજી તો મેં સ્કૂલેથી ટર્ન લીધો ઘર બાજુ માટે. બે જ મિનિટમાં અમને ગાડીએ ઉડાડી દીધા હતા. અમને ન્યાય મળવો જોઈએ અમારી માંગ છે. મેં પછી મારી છોકરીનું મોઢું જ નથી જોયું. પ્રસંગ હતો એટલે હું તેને તેડવા જતી હતી. છેલ્લી વાર મેં મારી દીકરીને ગળે નથી લગાડી. મેં એની અંતિમવિધિ નથી કરી. મેં એને હાથ પણ નથી અડાડ્યો. મારી ફૂલ જેવી એટલી સરસ દીકરીને એવી રીતે કચડી છે કે તેની તમે વાત પૂછોમાં...મારા ઘરના બધા કહેતા કે દર્શના તું નહીં જોઈ શકે તેનું મોઢું એવી હાલત થઈ છે. આ શબ્દો છે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર હોન્ડા સિટીની અડફેટે દીકરી ધ્રુવી કોટેચાને ગુમાવનાર માતા દર્શનાબેનના.


પિતાએ હવે સીધા CJIને પત્ર લખીને ન્યાયની માંગણી કરી 

રાજકોટમાં 22 દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર હોન્ડા સિટીની ચાલક મહિલાએ એક્ટિવાને અડફેટે લીધું હતું. હિટ એન્ડ રનની આ ગંભીર ઘટનામાં 15 વર્ષીય ધ્રુવી કોટેચાના મૃત્યુ થયું હતું. જ્યારે તેની માતા દર્શનાબેનને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે પોલીસે આરોપીને લાભ આપવા માટે કેસમાં હળવી કલમો લગાવી હોવાનો મૃતકના પિતાએ સીધો આક્ષેપ કર્યો છે.  આ કેસમાં ન્યાય ન મળતા ધ્રુવીના પિતાએ હવે સીધા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે.


માતા દર્શનાબેનને ગંભીર ઈજા થઈ હતી

હિટ એન્ડ રનની ઘટનામાં ધ્રુવી દેવાંગભાઈ કોટેચા(ઉં.વ.15)નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના માતા દર્શનાબેનને ગંભીર ઈજા થઈ હતી. આ કેસમાં પોલીસે 10 નવેમ્બરના રોજ સાંજે 5:05 કલાકે આરોપી મહિલા કૃતિકાબેન ધવલભાઈ શેઠની અટકાયત કરી કોર્ટમાં 5:45 કલાકે રજૂ કર્યા હતા જ્યાં બંને પક્ષના વકીલની દલીલોના અંતે કૃતિકાબેનના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આમ કૃતિકાબેનનો ગણતરીની મિનિટમાં જામીન પર છુટકારો થયો હતો​​​​​​​


પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા

મૃતક ધ્રુવી કોટેચાના પિતા દેવાંગભાઈ કોટેચાએ CJIને લખેલા પત્રમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પિતાનો આક્ષેપ છે કે પોલીસે ગંભીર હિટ એન્ડ રનના ગુનાને બદલે તાત્કાલિક જામીન મળી જાય તેવી હળવી કલમો લગાવી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે મહિલા આરોપીને લાભ અપાવવા માટે પોલીસે તેને જામીન મળ્યા બાદ જ અકસ્માત સ્થળના CCTV ફૂટેજ કબજે કર્યા હતા, જેથી પુરાવાઓ સાથે ચેડાં થઈ શકે.


આરોપીની અટકાયત અને જામીનની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા

પત્રમાં દેવાંગભાઈએ આરોપીની અટકાયત અને જામીનની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ૧૦મી ડિસેમ્બરના રોજ મહિલા આરોપીની સાંજે ૫:૦૫ કલાકે અટકાયત કરવામાં આવી હતી અને માત્ર ૪૦ મિનિટમાં, એટલે કે ૫:૪૫ વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરીને જામીન પર મુક્ત કરી દેવામાં આવી હતી. પોલીસે લગાવેલી હળવી કલમોને કારણે જ આટલી ઝડપી જામીન પ્રક્રિયા શક્ય બની હોવાનો તેમનો દાવો છે. આ ગંભીર અકસ્માત ૭મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર સર્જાયો હતો, જેમાં ધ્રુવી કોટેચાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પીડિત પિતા દેવાંગભાઈ કોટેચાએ પત્રમાં પોતાની મૃતક દીકરીને ન્યાય મળે અને બેદરકારી દાખવનાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી આજીજી સાથે માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application