BREAKING NEWS

દાંપત્ય જીવનના ખટરાગમાં ખુન! રાજકોટમાં ગોળી મારી પત્નીની હત્યા, ભાવનગરમાં ફોરેસ્ટ કર્મીએ પરિવારને મોતને ઘાટ ઉતાર્યો, મનોવૈજ્ઞાનિકે જણાવ્યા કારણો

  • November 20, 2025 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંબંધ શબ્દમાં જ એક સુખદ બંધનની વાત છુપાયેલી છે. ખાસ કરીને પતિ-પત્નીના સંબંધમાં તો સાત જન્મો સુધી સાથ નીભાવવાનો પરસ્પરનો કોલ હોય છે. પરંતુ હવે આ બંધન દુ:ખદ જ નહીં પણ પીડાદાયક અને ઘાતકી બની રહ્યા હોય તેવી આઘાતજનક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં રાજયમાં બનેલી ત્રણ ઘટનાઓએ દામપત્ય જીવનમાં ખટરાગને ખૌફનાક અંજામ આપ્યો છે.


રાજકોટમાં શનિવારે આંચકાજનક બનાવ બન્યો હતો. જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તાર પાસે રહેતા દંપતી વચ્ચે લાંબા સયમથી ખટરાગ ચાલતો હતો. જેમાં સમાધાનના પ્રયાસ થયા પરંતુ મનમેળ ન જ થયો. અંતે વિફરેલા પતિ લાલજી પઢીયારે શનિવારે પત્ની તૃષાબેન પર ફાયરિંગ કરી ખુદને લમણે પણ ગોળી ધરબી દીધી. જે ઘટનામાં બંનેના મોત થયા છે. દંપતી વચ્ચેના ઝઘડમાં કોણ સાચુ કોણ ખોટું તે કોઇ નક્કી ન કરી શકે.


ડાયમંડ સિટી સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો બનાવ બન્યો. પ્રથમથી જ આ બનાવ શંકાસ્પદ જણાઇ રહ્યો હતો. કામરેજ નજીક આરએફઓ સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેના પતિ અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની ધરપકડ કરાઇ અને તેની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા. નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરાવવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. નિકુંજ પત્નીની હત્યાના પ્લાન બાદ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા માટે સતત કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડાઓ વાંચી રહ્યો હતો. પોલીસે આ તમામ પુસ્તકો પણ જપ્ત કર્યા છે.


ભાવનગરમાં એક અરેરાટી ફેલાવતી ઘટના સામે આવી જેમાં તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા તેમજ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાનો પરિવાર એટલે કે પત્ની નયનાબેન શૈલેષભાઈ ખાંભલા (ઉં. 40), પુત્રી પૃથ્વા શૈલેષભાઈ ખાંભલા (ઉં.13 ) અને ભવ્ય શૈલેષભાઈ ખાંભલા (ઉં. 9 ) ત્રણેય સુરતથી વેકેશન ગાળવા માટે ભાવનગર આવ્યા હતાં. બાદમાં લાપતા થયા હતાં. તપાસ બાદ ઘર નજીકથી જ દાટેલી હાલતમાં આ પરિવારના સભ્યોના મૃતદેહ મળ્યા હતાં. આ હેવાનીયતભર્યું કૃત્ય આચરનાર ખુદ પતિ શૈલેષ ખાંભલા હોવાનું સામે આવ્યું. શૈલેષ ખાંભલાની ઈચ્છા હતી કે, તેમના પત્ની અને સંતાનો સુરતમાં સાસરે જ રહે, પરંતુ પત્નીને તેમની સાથે ભાવનગરમાં રહેવું હતું. આ મુદ્દે તેઓ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડો થતો. આ દરમિયાન 27 ઓક્ટોબરે તેમના પત્ની નયનાબહેન સુરતથી સંતાનોને લઈને ભાવનગર રજાઓ ગાળવા આવ્યા હતા. ત્યારે તેઓ વચ્ચે ફરી એકવાર વિવાદ થતા પત્ની અને સંતાનોની હત્યા કરી નાખી હતી. પરિવારના ત્રણેય સભ્યની હત્યા પછીયે શૈલેષ ખાંભલાના ચહેરા પર કોઈ લાગણી કે ગુસ્સો નહોતો દેખાતો.


દંપતી વચ્ચે ઝઘડાઓ થવા એ ખુબ જ સામાન્ય બાબત છે. પરંતુ આ ઝઘડાઓમાં વાત હત્યા સુધી પહોંચી જાય તે વાત બીલકુલ સ્વીકાર્ય નથી. અગાઉ વડિલોની સમજાવટની આવા ઝઘડોઓ ઉગતા જ ડામી દેવામાં આવતા હતાં. આજના સમયમાં સંયુકત કુંટબની ભાવના લગલગ વીસરાઇ ચૂકી છે. આ સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડામાં સમાધાનકારી ભૂમિકા ભજવનારની ઉણપના લીધે કયારેક સામાન્ય બાબતે થયેલા ઝઘડા પણ ખૌફનાક અંજામ સુધી પહોંચી રહ્યા છે. જો પતિ- પત્ની વચ્ચે મનમેળ ન રહે એકબીજાનું સાનીધ્ય અસહ્ય બની રહી તેવી સ્થિતિમાં એકબીજાને સહન કરવાના બદલે અલગ થઇ જવુ જવું વધુ મુનાસીબ છે. ઉર્દુમા એક શેર છે વો ફસાના જીસે અંજામ તક લાના ના હો મુમકીન ઉસે એક ખુબસુરત મોડ દેકર છોડ દેના અચ્છા આ વાત એવા દરેક દંપતીએ સ્વીકારી લેવી જોઇએ.


દંપતી વચ્ચેના અવિશ્વાસ-લગ્નેતર સંબંધોના કારણે વધતી હિંસા વધી

લગ્નેતર સંબંધનું બહાર આવતા, છેતરાયેલા વ્યક્તિને ગહન વિશ્વાસઘાતનો અનુભવ થાય છે, જે આઘાતજનક હોય છે. આનાથી 'પોસ્ટ-ઇન્ફિડેલિટી સ્ટ્રેસ ડિસઓર્ડર' જેવા લક્ષણો જોવા મળી શકે છે, સતત ચિંતા, હતાશા, રાત્રે ડર લાગે તેવા સપના , અને જબરદસ્ત ગુસ્સો પેદા થઈ શકે છે. જે વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોય, તે ઘણીવાર પોતાને દોષી માને છે. આનાથી આત્મસન્માન ઘટે છે અને 'હું પૂરતો સારો નથી' તેવી નકારાત્મક માન્યતા ઊભી થાય છે. આ લાગણી ગુસ્સો અને આક્રમકતાના માર્ગે બહાર આવી શકે. વ્યક્તિને લાગે છે કે તેના જીવન અને સંબંધ પરનું તેનું નિયંત્રણ ખોવાઈ ગયું છે, જે બેચેની અને ગભરાટ પેદા કરે છે. આ નિયંત્રણ પાછું મેળવવાની નિષ્ફળ કોશિશ હિંસક વર્તન તરફ દોરી શકે છે.


અવિશ્વાસ અને છેતરપિંડીને કારણે થયેલ અપમાન, દુઃખ અને નુકસાનની લાગણી ખૂબ જ તીવ્ર ગુસ્સામાં પરિણમે છે. આ ગુસ્સો અટકાવી ન શકાય તેટલો વધી જાય છે, જે આક્રમકતા અને હિંસક વર્તનનું મુખ્ય કારણ બને છે. લગ્નેતર સંબંધો ઈર્ષ્યાની લાગણીને ભયંકર રીતે વધારી દે છે. આ ઈર્ષ્યા અસુરક્ષામાંથી જન્મે છે અને ઘણીવાર વ્યક્તિને પોતાના જીવનસાથીને નિયંત્રિત કરવા અથવા સજા કરવા માટે હિંસા કરવા પ્રેરે છે.

પ્રોફેસર યોગેશ જોગસણ

(મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News