રાજકોટ-વાંકાનેર હાઇવે પર સણોસરા ગામના પાટિયા પાસે દાળ પકવાનનો ત્રણ શખ્સોએ નાસ્તો કર્યા બાદ ધંધાર્થીએ પૈસા માગતા તારી પાસે અહીં ધંધો કરવાનું લાયસન્સ છે તો જ અહીં ધંધો કરજે કહી ખુરશીઓ ઉપાડી ઘા કરવા લાગ્યા હતા. ધંધાર્થી યુવકે આમ ન કરવાનું કહેતા ત્રણેય શખ્સોએ ખુરશી માથામાં મારતા ઇજા થઇ હતી. છોડાવવા વચ્ચે પડેલા યુવકના ભાઈ અને ભત્રીજાને પણ મારમારી ધમકી આપતા યુવકે ત્રણ લુખ્ખાઓ સામે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ-વાંકાનેર હાઇવે પર સણોસરા ગામના પાટિયા પાસે મહાવીર જનરલ સ્ટોરની બાજુમાં દાળ પકવાનની લારી રાખી વેપાર કરતા ફતેસિંહ ગોમસિંહ રાવત (ઉ.વ.40)ના આઠેક દિવસ પહેલા પોતાની લારીએ હતા ત્યારે ત્રણેક વ્યક્તિ નાસ્તો કરવા માટે આવ્યા હતા અને નાસ્તો કરી પૈસા આપ્યા વગર ચાલ્યા ગયા હતા. આથી લારી ધારકે આસપાસના લોકોને વ્યક્તિઓના નામ પૂછતાં સલીમ, વસીમ અને હાર્દિક નામ હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય શખ્સો ફરી ગઈકાલે નાસ્તો કરવા માટે આવ્યા હતા અને નાસ્તો કર્યા બાદ લારી ધારક ફતેસિંહએ પૈસાની ઉઘરાણી કરતા પૈસા ન આપી તારી પાસે અહીં વેપાર કરવાનું લાયસન્સ છે તો દેખાડ બાકી વગર લાયસન્સે અહીં ધંધો કરવો નહીં,કહી બોલાચાલી કરી ઝગડો કરીને ત્યાં પડેલી પ્લાસ્ટિકની ખુરશીઓ ઉપાડી ઘા કરવા લાગ્યા હતા. લારી ધારકે આવું ન કરવાનું કહેતા ત્રણેય વધુ ઉશ્કેરાઈ લારી ધારક ફતેસિંહને મારતા માથાના પાછળના ભાગે લાગવાથી લોહી નીકળવા લાગ્યું હતું. આથી તેનાભાઈ ભગવાન ગોમસિંહ અને ભત્રીજો દલપતસિંહ છોડાવવા વચ્ચે પડતા તેને પણ મારમારી મૂંઢ ઈજાઓ કરી હતી. મારામારી થતા માણસો ભેગા થઇ ગયા હતા અને ત્રણેય શખસોએ જતા જતા ધમકી મારી હતી કે, પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીસ, ફેતસિંહને વધુ ઇજા હોવાથી ભત્રીજાએ 108ને ફોન કરતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી ભોગબનનાર ફતેસિંહ રાવતની ફરિયાદ પરથી વસીમ, સલીમ અને હાર્દિક નામના શખ્સો સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બેડી ચોકડી નજીક દાલ પકવાનના ધંધાર્થી ઉપર નામચીન શખ્સના ભત્રીજા સહિતનાએ હુમલો કરી બેફામ મારમાર્યો હતો. જેને પોલીસે ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે ફરી એક વખત સણોસરા પાસે આવા લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી દુકાનદારો સહિતનાએ પોલીસ સમક્ષ માગ છે.