અમરેલીમાં અગાઉના ઝગડાનો ખાર રાખી લીલીયાના યુવકને બાઇકમાં બેસાડી પાછળથી ગળું પકડી છરીનો ઘા મારી દેતા યુવક લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. વધુ છરીના ઘા મારવા જતા યુવક બજારમાં ભાગી કારખાનામાં ઘુસી ગયો હતો ત્યાં પાછળ આવેલા શખ્સે છરીના વધુ બે ઘા મારી દેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે અમરેલી પોલીસ દોડી જઈ હુમલો કરનાર શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ લીલીયાના દાડમા ગામે રહેતા જીગ્નેશ આણંદભાઇ સારીખડા (આશરે ઉ.વ.35)નો યુવક ગઈકાલે પોતાના ઘરેથી અમરેલી બાઈક લઈને આવતો હતો ત્યારે ગાવડકા ગામે રહેતો મેહુલ ખોડાભાઇ હેલૈયાએ બાઈક ઉભી રખાવી પોતાને અમરેલી આવવું છે કહી બાઇકમાં બેસી ગયો હતો. બંને અમરેલીમાં સરદારચોકથી હીરામોતી ચોક તરફ જઈ રહ્યા હતા દરમિયાન પાછળ બેઠેલા મેહુલે અચાનક યુવક ગળું પકડી છરી ફેરવી દેતા યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. વધુ છરીના ઘા મારવા જતા યુવક ત્યાંથી ભાગ્યો હતો અને હીરાના કારખાનામાં ઘુસી ગયો હતો પરંતુ પાછળ ખુલ્લી છરી સાથે આવેલા મેહુલે કારખાનામાં ઘુસી છરીનો બીજો ઘા મારી દીધો હતો. અને ત્રીજો ઘા મારવા જતા હાથ પકડી લેતા હાથમાં છરી વાગી હતી. યુવક જીવ બચાવવા ત્યાંથી ભાગી શેરીમાં આવેલા મકાનમાં ચાલ્યો ગયો હતો અને બચાવવા માટેનું કહેતા મકાન માલિકે મેહુલને અંદર ઘુસવા દીધો નહતો. લોકોના ટોળા એકઠા થઇ જતા કોઈએ 108ને ફોન કરતા યુવકને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે અમરેલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકના પિતા આણંદભાઇ દેહાભાઇ સારીખડાની ફરિયાદ પરથી મેહુલ ખોડાભાઇ હેલૈયા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ એકાદ વર્ષ પહેલા મેહુલ અને જીગ્નેશ વચ્ચે ઝગડો થયો હતો જેમાં મેહુલને ઇજા થતા આ વાતનો ખાર રાખી જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.