દુનિયાને આપણે વર્ષોથી જે નકશાના સ્વરૂપમાં જોઈ રહ્યા છીએ, તેમાં હવે મોટો ફેરફાર થવાની વાત સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વના ખંડોને તેમના વાસ્તવિક ક્ષેત્રફળની વધુ નજીક દર્શાવતા નવા નકશાના ઉપયોગને મંજૂરી આપી હોવાનું જણાવાયું છે. આ નવા નકશાનું નામ ‘ઈક્વલ અર્થ’ (Equal Earth) છે. તેમાં આફ્રિકા પહેલાં કરતાં મોટું, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકા તુલનાત્મક રીતે નાના દેખાશે.
આ પ્રસ્તાવના સમર્થનમાં 164 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે 6 દેશોએ મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. અમેરિકાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આમ છતાં બહુમતીના આધારે પ્રસ્તાવને મંજૂરી મળી છે.
જૂના નકશામાં આફ્રિકા નાનું કેમ દેખાતું હતું?
વિશ્વભરમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાતા મર્કેટર પ્રોજેક્શનને 1569માં કાર્ટોગ્રાફર ગેરાર્ડસ મર્કેટરે તૈયાર કર્યું હતું. આ નકશાનો મુખ્ય હેતુ દરિયાઈ મુસાફરી માટે દિશાઓ દર્શાવવાનો હતો. પૃથ્વી ગોળ હોવા છતાં તેને સપાટ કાગળ પર દર્શાવતી વખતે ખાસ કરીને ધ્રુવ તરફના વિસ્તારોનું કદ વધતું ગયું.
આ કારણે યુરોપ, ઉત્તર અમેરિકા અને ગ્રીનલેન્ડ તેમના વાસ્તવિક કદ કરતાં ઘણા મોટા દેખાય છે. બીજી તરફ, વિષુવવૃત્તની નજીક આવેલા આફ્રિકા અને ભારત જેવા વિશાળ પ્રદેશો પ્રમાણમાં નાના દેખાય છે. ઉદાહરણ તરીકે, વાસ્તવિક ક્ષેત્રફળની દૃષ્ટિએ આફ્રિકા ગ્રીનલેન્ડ કરતાં લગભગ 14 ગણું મોટું છે, પરંતુ મર્કેટર નકશામાં બંને લગભગ સમાન કદના દેખાય છે.
શું છે ‘ઈક્વલ અર્થ’ નકશો?
‘ઈક્વલ અર્થ’ પ્રોજેક્શન 2018માં કાર્ટોગ્રાફર્સ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તેનો હેતુ દેશો અને ખંડોના ક્ષેત્રફળને વધુ પ્રમાણસર દર્શાવવાનો છે. નવા નકશામાં આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ એશિયા અને ઓશેનિયા પહેલાં કરતાં મોટા દેખાશે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકા નાના દેખાશે.
આ પ્રસ્તાવ ટોગોના વિદેશ મંત્રી રોબર્ટ ડુસી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમના મતે નકશા માત્ર ભૌગોલિક માહિતી આપતા નથી, પરંતુ લોકોની વિશ્વને જોવાની દૃષ્ટિ પર પણ અસર કરે છે.
અમેરિકાએ કર્યો વિરોધ
અમેરિકાએ આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકન પ્રતિનિધિ યારિના ફેરેન્સવિચે દલીલ કરી હતી કે વિશ્વ જ્યારે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે UN દ્વારા 16મી સદીના નકશા અંગે ચર્ચા કરવી સમયનો વ્યય છે.
જોકે, અમેરિકાના વિરોધ છતાં પ્રસ્તાવને બહુમતી મળી છે. હવે ‘ઈક્વલ અર્થ’ નકશા દ્વારા વિશ્વના ખંડોને તેમના વાસ્તવિક કદની વધુ નજીક દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવશે.