રાજકોટ મહાપાલિકાની ૨૦૨૬-૨૦૩૧ની પંચવર્ષીય ટર્મ અંતર્ગતની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની નિયુક્તિ કરવા માટે આગામી તા.૨૮ મે ૨૦૨૬ને ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે જનરલ બોર્ડ મિટિંગ યોજવા માટે ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અનંદુ સુરેશ ગોવિંદની સુચનાથી મ્યુનિસિપલ સેક્રેટરી ડી.એન.જેસડીયા દ્વારા આજરોજ એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, કુલ ત્રણ દરખાસ્તો સાથે જનરલ બોર્ડ મિટિંગનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે જેમાં મેયરની નિયુક્તિ, ડેપ્યુટી મેયરની નિયુક્તિ અને સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની નિયુક્તિ કરવાનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત ત્રણ દરખાસ્તો સાથેની પ્રથમ જનરલ બોર્ડ મિટિંગ મળશે જેમાં મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની નિયુક્તિ થયા બાદના બેથી ત્રણ દિવસમાં ફરી જનરલ બોર્ડ મિટિંગ મળશે જેમાં અન્ય ૧૫ પેટા કમિટીઓના સભ્યોની નિયુક્તિ થશે.
રાજકીય પ્રણાલી અનુસાર, સ્ટેન્ડિંગ સહિતની કમિટીઓના સભ્યોના જે નામો જાહેર થાય તે નામના લિસ્ટમાં જેમનું નામ પ્રથમ ક્રમે લખ્યું હોય તે ચેરમેન હોય છે, અલબત્ત કમિટીના ચેરમેનની નિયુક્તિ માટે જે તે કમિટીની અલગથી મિટિંગ મળે છે અને તેમાં કમિટીના સભ્યો ચેરમેનની નિયુક્તિ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકામાં તા.૨૮મી એ સવારે ૧૦ વાગ્યે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેના અધ્યક્ષ સ્થાને અને સંગઠન પ્રભારી અનિરુધ્ધભાઇ દવેની ઉપસ્થિતિમાં મળનારી પાર્ટી સંકલન મિટિંગમાં પ્રદેશ ભાજપે મોકલેલા નિરીક્ષકો ૬૫ કોર્પોરેટર સમક્ષ નવા પદાધિકારીઓના નામોની જાહેરાત કરશે ત્યારબાદ જનરલ બોર્ડ મિટિંગમાં નિયુક્તિની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરાશે.
મેયર- સ્ટે.ચેરમેન પદ માટે ચર્ચાતા મુખ્ય નામ
૧. ડો.નેહલ શુક્લ
૨. અશ્વિન ભોરણીયા
૩. કેતન ઠુમ્મર
૪. દિલીપ લુણાગરિયા
૫. હિરેન ખીમાણીયા