સાસણગીર સિંહ સદનની ફેક વેબસાઈટ બનાવી સાયબર ફ્રોડ આચરનાર રાજસ્થાનના રસીદ ખાન અયુબ ખાન મેવાતીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ઓરિસ્સા જગન્નાથજી મંદિર, દિલ્હી રામ આશ્રમ સહિત અનેક હોટલ અને આશ્રમોની નકલી વેબસાઈટ બનાવી હોવાનું ખુલ્યું છે. આરોપી સોફ્ટવેર અને વેબ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટ ચલાવે છે.
શું હતો સમગ્ર મામલો
ગત તારીખ 7 નવેમ્બર 2025ના સાસણ ગેસ્ટ હાઉસ ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા યશ ભરતકુમાર ઉમરાણીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિંહ સદન ગેસ્ટ હાઉસમાં પ્રોટોકોલ મુજબ સરકારી મહેમાનોને વ્યવસ્થા અપાય છે. જ્યારે બિન-સરકારી પ્રવાસીઓને રિસેપ્શન પરથી કરન્ટ બુકિંગ દ્વારા રૂમ ફાળવવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગ માટે આજદિન સુધી કોઈ સત્તાવાર ઓનલાઈન વેબસાઈટ કાર્યરત નથી. અને ના તો વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યા છે.
મેંદરડા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસના અંતે સિંહ સદન અને જંગલ સફારી પાર્કની નકલી બુકિંગ વેબસાઈટ બનાવનાર મુખ્ય આરોપી રાજસ્થાનના મેવાતમાં રહેતા નાસીર ખાન અયુબ ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબજે કર્યા છે.