ચલાલા નગર પાલિકાનું રાજકીય હવામાન અચાનક બદલાયું છે, પ્રમુખ-ઉપ પ્રમુખ સામે બંડ પોકારનાર નવ સભ્યો પાણીમાં બેસી જઈ સમર્થન જાહેર કર્યું છે. ગઈકાલે 24 માંથી 20 સભ્યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસર સમય રજુ કરી ભ્રષ્ટાચાર, સંકલનનો અભાવ, સભ્યોને વિશ્વાસમાં ન લેવા અને આઠ મહિનાથી બોર્ડ બોલાવવામાં ન આવી હોવા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. અવિશ્વાસની દરખાસ્તના પગલે અમરેલી જિલ્લામાં રાજકીય માવઠા જેવી સ્થિતિ ઉભી થવાના એંધાણ વર્તાતા ડેમેજ કંટ્રોલ માટેની કવાયત જિલ્લા ભાજપ અને ધારાસભ્ય કાકડિયા દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને અચાનક પ્રમુખે પોતાની સાથે નવ સભ્યોનું સમર્થન હોવાનો જિલ્લા ભાજપ પ્રમુખને જાણ કરતો લેટર જાહેર કર્યો હતો. તો બીજી તરફ ધારાસભ્ય જે.વી.કાકડિયાને પ્રદેશ નેતાગીરીમાંથી પ્રેસર આવતા જ રાતોરાત પ્રમુખ-ઉપ પ્રમુખ અને સભ્યોની બેઠક બોલાવી હતી જેમાં નવ સભ્યો પાણીમાં બેસી જઈ તેલ અને તેલની ધાર જોવા માટેનું જણાવ્યું હતું જયારે અન્ય 13 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સાથે મક્કમ રહ્યા હતા.
મળતી વિગતો મુજબ ચલાલા ભાજપ સાશિત પૂર્ણ બહુમત ધરાવતી પાલિકામાં પ્રમુખ તરીકે નયનાબેન વાળા અને ઉપ પ્રમુખ તરીકે પ્રવીણભાઈ માલવીયાની નિયુક્તિ કરવામાં આવી ત્યારથી જ સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારથી જ પાલિકામાં રાજકીય ટાંટિયા ખેંચ શરૂ થઇ હતી. જેનાથી કંટાળી પ્રમુખ નયનાબેન વાળાએ ખુરશી સંભાળ્યાના મહિનાઓમાં જ કલેક્ટરને પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધું હતું. રાજીનામાના પડઘા પ્રદેશ નેતાગીરી સુધી પડતા પ્રદેશ ભાજપના એક ડોક્ટર નેતાને રાજકીય માહોલ સુધારવા માટેની કમાન સોંપવામાં આવી હતી.તેમની લાંબી સમજાવટ બાદ પ્રમુખે એકાદ મહિના બાદ રાજીનામુ પરત ખેંચ્યું હતું. ત્યાર પછી પણ સભ્યો અને પ્રમુખ-ઉપ પ્રમુખ વચ્ચેના મતભેદ અને મનભેદ બંને શરૂ રહેતા રાજકીય હવામાન ફરી બગડ્યું હતું. અને પ્રમુખ-ઉપ પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા. અને ગઈકાલે 20 સભ્યોએ સહી સાથે ચીફ ઓફિસરને પ્રમુખ-ઉપ પ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા જ રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાના જિલ્લામાં રાજકીય વાવાઝોડું ઉભું થયું હતું. જો કે જિલ્લા ભાજપ અને ધારાસભ્યની બેઠક બાદ સભ્યોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેમાંથી નવ સભ્યોએ સમર્થન જાહેર કર્યું હતું અને તો કેટલાકને પ્રમુખ સાથે તો કેટલાક સભ્યોને ઉપ પ્રમુખ સામે વાંધો દર્શાવી તેલ અને તેલની ધાર જોવા કહ્યું હતું.
પ્રમુખે જાહેર કરેલો સમર્થન લેટર જૂનો
ચલાલા પાલિકાના 20 સભ્યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા જ પાલિકા પ્રમુખ-ઉપ પ્રમુખની સાથે જિલ્લા ભાજપ પણ દોડતું થયું હતું. અને દરખાસ્તમાં સહી કરનાર સભ્યોને જિલ્લા ભાજપ પ્રમુખ કાનાણીનું તેડું આવ્યું હતું જેમાંથી કેટલાક સભ્યો જિલ્લા ભાજપ પ્રમુખને મળ્યા હતા અને કેટલીક બાબતો અંગે અગાઉ જાણ કરી હતી એજ ફરીથી રજૂઆત કરતા તેનો ઉકેલ આવી જશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. જેને લઈને પાલિકા પ્રમુખએ પોતાની સાથે નવ સભ્યોનું સમર્થન હોવાનું કહી લેટર જાહેર કર્યો હતો જો કે આ લેટરમાં તા.3-10-025 જોવા મળી રહી છે એટલે કે 28 પહેલાનો લેટર છે. આ બાબતે પાલિકા પ્રમુખને પૂછતાં કહ્યું હતું કે, આ લેટર રાજીનામું આપ્યું હતું ત્યારનો છે અને ત્યારે પણ આ સભ્યોએ સમર્થન જાહેર કર્યું હતું. અને અત્યારે પણ આજ સભ્યો સાથે છે. વહેલી તકે બોર્ડ બોલાવી દૂધનું દૂધ પાણીનું પાણી કરી દઈશું.
બોર્ડના બોલાવી શકો તો રાજીનામુ આપી દયો: ધારાસભ્ય કાકડિયાનો ઠપકો
ધારાસભ્ય જે.વી.કાકડીયાના માટે વિસ્તાર ચલાલા પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય સ્થિતિ ડામાડોળ હોવા છતાં ધારાસભ્યનું વિવાદોમાં ભેદી મૌન અનેક તર્ક ઉભું કરતું હોવાના આજકાલના અહેવાલ બાદ ગઈકાલે ધારાસભ્ય જે.વી.કાકડિયા રાતોરાત ચલાલા દોડી ગયા હતા અને પ્રમુખ-ઉપ પ્રમુખ તેમજ સભ્યો ની બેઠક બોલાવી હતી. વિરોધમાં રહેલા સભ્યોની રજુઆત સાંભળી ટૂંક સમયમાં જ પ્રશ્નનો ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી. તો કેટલાક સભ્યોને પક્ષ વિરુદ્ધ જશો તો સસ્પેંડ કરવા સુધીની બીક બતાવી હોવાનું મનાઈ રહ્યું છે. જયારે અંગત સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્ય પાલિકા પ્રમુખના પતિ અને ઉપ પ્રમુખ સામે પણ આકરા પાણીએ થયા હતા અને કહ્યું હતું કે, તમે બોર્ડ કેમ બોલાવતા નથી, જેના વળતા જવાબમાં પદાધિકારીઓએ સભ્યો સહયોગ આપતા ન હોવાનું કહેતા જ ધારાસભ્યએ પીતો ગુમાવ્યો હતો અને મોઢા પર કહી દીધું હતું કે, એ જવાબદારી તમારી છે અને જો બોર્ડ બોલાવી ન શકતા હોય તો રાજીનામુ આપી દયો. ધારાસભ્યના ઠપકાથી કેટલાક નારાજ સભ્યો પણ મંદમંદ મલકાયા હતા.