પડધરી તાલુકાના ખંભાળા ગામેથી સસ્તો દારૂ મોંઘીદાટ બોટલોમાં ભરી પ્યાસીઓને ઉંચા ભાવે ધાબડી દેવાના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પડધરી પોલીસે ખંભાળા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની શરાબની બોટલો, સ્ટીકર, વાહનો મળી કુલ રૂ. 2.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પોલીસે મુખ્ય સૂત્રધાર સહીત ત્રણ શખસોની શોધખોળ શરૂ છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલા દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિ સામે અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને પડધરી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસ.એસ.શર્માની રાહબરીમાં ટીમ દારૂ-જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ વસંતભાઈ ઓધડભાઈને મળેલી હકીકતના આધારે પડધરી તાલુકાના ખંભાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમાં દિલીપ ઉર્ફ મિથુન નાનજીભાઈ મકવાણા (રહે. ખંભાળા ગામ, પડધરી) ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી ઇંગ્લિશ દારૂના સસ્તા ચપલામાંથી અન્ય મોંઘી બ્રાન્ડના ખોટા સ્ટીકર ખાલી બોટલ ઉપર લગાવી દારૂમાં ભેળસેળ કરી તેને મોંઘીદાટ શરાબની બોટલમાં ભેળવી ઉંચા ભાવે ધાબડી દેવાનું કારસ્તાન ચલાવી રહ્યો હોય તેવી બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પડધરી પોલીસે ખંભાળા ગામની સીમમાં દરોડો પાડી રોયલ ચેલેન્જ ફાઈનેસ્ટ પ્રીમિયમ વિસ્કીની 110 બોટલ, બ્લેક ડોગ સ્કોચ વ્હીસ્કીની 15 બોટલ, ટીચર્સ હાઇલેન્ડ સ્કોચ વિસ્કીની 24 બોટલ, 100 પાઇપર્સ વ્હિસ્કીની 12 બોટલ, અન્ય ખાલી બોટલ તથા સ્ટીકર તેમજ જીજે-03-એનએ-0047 અને જીજે-03-એમક્યુ-0220 નંબરના બે સુઝુકી એક્સેસ મોટરસાયકલ મળી કુલ રૂ.2,26,599 નો મુદ્દામાલ કબજે કરી સસ્તી દારૂને મોંઘીદાટ શરાબી બોટલમાં નાખી ડુપ્લીકેટ શરાબ બનાવવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર દિલીપ ઉર્ફે મિથુન નાનજી મકવાણા તેમજ સુઝુકી વાહનના માલિકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ કામગીરીમાં પડધરી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસ એચ શર્મા, એએસઆઈ ભગીરથસિંહ માનસિંહ, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ નરેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભા, વસંતભાઈ ઓધડભાઈ, નિકુલસિંહ હરપાલસિંહ રોકાયા હતા.