રાજ્યના પવિત્ર યાત્રાધામ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ચોટીલામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા હાથ ધરાયેલી ટ્રેપ કાર્યવાહીમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જાગાભાઈ જીડિયા (ઉં. 30)ને ₹27,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જન્માષ્ટમી પર્વ દરમિયાન નોંધાયેલા એક જુગાર કેસમાં આરોપીઓના જામીન કરાવવા બાબતે હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી ₹27,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે રાજકોટ ACB એકમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ચોટીલા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં ડી-સ્ટાફ ઓફિસના દરવાજા સામે જાહેર સ્થળે હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડી સમગ્ર ₹27,000ની રકમ કબ્જે લીધી હતી.રાજકોટ ACBના પી.આઈ. આર.કે. સોલંકીની આગેવાનીમાં સફળ ટ્રેપઆ સમગ્ર ટ્રેપ કામગીરી રાજકોટ ACB એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકીની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી. આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.