રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો, પરંતુ પ્રથમ દિવસે જ યાંત્રિક રાઇડ્સને મંજૂરી ન મળતા મેળાની રંગત પર અસર જોવા મળી હતી. એક તરફ ખાણીપીણી, રમકડાં અને નાની ચકરડીઓમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, તો બીજી તરફ રોમાંચ માટે આતુર રહેલા લોકો યાંત્રિક રાઇડ્સ શરૂ થવાની રાહ જોતા જોવા મળ્યા હતા. મોડી રાત સુધીની કવાયત બાદ માત્ર છ યાંત્રિક રાઇડ્સને જ મંજૂરી મળી શકી હતી.મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે રેસકોર્સ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. વિવિધ ખાણીપીણીના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ ખાણીપીણીની ચીજવસ્તુઓના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળતા વેપારીઓ ખુશખુશાલ જણાયા હતા. બાળકો માટે રમકડાંના સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નાની ચકરડીઓ અને અન્ય મનોરંજનના સાધનોમાં બાળકોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, લોકમેળાનું સૌથી મોટું આકર્ષણ ગણાતી યાંત્રિક રાઇડ્સ પ્રથમ દિવસે શરૂ ન થતા મેળાની મોજમાં જાણે બ્રેક લાગી હતી. સલામતીના નિયમોને ધ્યાને લઈ રાઇડ્સની ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાઇડ્સની ગુણવત્તા, સ્ટ્રક્ચરની મજબૂતી, ટેક્નિકલ સલામતી સહિતના વિવિધ પાસાઓની તપાસ બાદ જ મંજૂરી આપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. મોડી રાત સુધી તંત્ર અને સંબંધિત ટીમોની ચકાસણી બાદ છ રાઇડ્સને મંજૂરી આપવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં અન્ય રાઇડ્સ પણ જરૂરી ચકાસણીમાં પાર ઉતરશે તો તેમને મંજૂરી મળવાની શક્યતા છે. પ્રથમ દિવસે ‘કહીં ખુશી, કહી ગમ’ જેવા માહોલ વચ્ચે લોકમેળાએ શરૂઆત તો કરી, પરંતુ રાઇડ્સનો રોમાંચ અધૂરો રહેતા મુલાકાતીઓમાં થોડી નિરાશા પણ જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application