BREAKING NEWS

સાઇલન્ટ રહેલું મહાપાલિકા તંત્ર વાઇબ્રન્ટ બન્યું

  • January 08, 2026 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના આંગણે આગામી તા.૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ યોજાવા જઈ રહી છે, જેને લઈને રંગીલું રાજકોટ નવા વાઘા સજી રહ્યું હોય, તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરી વિકાસની વાઇબ્રન્સી સાથે વી.જી.આર.સી.ને આવકારવા સજ્જ છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર સમારકામ અને મજબૂતીકરણ વેગવંતુ બન્યું છે. આ સાથે શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે ઠેર-ઠેર રંગરોગાન અને દિવાલો પર કલાત્મક ચિત્રો કંડારવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ઉદ્ઘાટન માટે રાજકોટ આવી રહ્યા હોય રાજકોટ શહેરને સોળે શણગારથી સજાવવામાં આવી રહ્યું છે. હાલ સુધી સાઇલન્ટ રહેલું મહાપાલિકા તંત્ર હવે વાઇબ્રન્ટ બન્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ દરમિયાન સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડોના ખર્ચે ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ, શહેરી પરિવહન અને શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવા અનેક વિકાસ કામો પરિપૂર્ણ થયા છે. આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી સૌરાષ્ટ્રના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વૈશ્વિક રોકાણોના નવા દ્વાર ખુલશે. ત્યારે વર્ષ ૨૦૨૬માં પણ શહેરી વિકાસની સફરને ગતિમાન બનાવવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ શાખા દ્વારા મેયર શ્રી નયનાબેન પેઢડીયાના માર્ગદર્શન મુજબ અંદાજે છેલ્લા એક મહિના જેવા સમયથી જે-તે રોડ પર આવશ્યકતા મુજબ પેવર બ્લોક રીપેરિંગ, ડામર પેચ, ડામર રી-કાર્પેટ, ડિવાઈડર રીપેરિંગ, સિમેન્ટ કોંક્રીટ પાથરવા, ડિવાઈડરને કલર, મ્યુરલ આર્ટ, સ્કલ્પચરને કલર જેવા કામો કરવામાં આવી રહ્યાં છે.

રાજકોટ શહેરના ઇસ્ટ ઝોનની વાત કરીએ તો ગ્રીનલેન્ડ ચોક, વેલનાથપરા બ્રિજ ડિવાઈડર અને કૈસર-એ-હિન્દ બ્રિજ પર પેઇન્ટ કરવામાં આવ્યું છે, તેમજ કુવાડવા રોડ પર પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ શહેરના રૈયા રોડ, નાના મૌવા રોડ, કાલાવડ રોડ, મવડી રોડ સહિત વેસ્ટ ઝોનમાં ૧૬ કિલોમીટરથી વધુ પેવર બ્લોક રીપેરિંગ, ૦૬ કિલોમીટરથી વધુ ડામર પેચ, ૧૨ કિલોમીટરથી વધુ ડામર રી-કાર્પેટિંગ, ૧૦ કિલોમીટરથી વધુ ડિવાઈડર રીપેરિંગ, ૧ કિલોમીટરથી વધુ સિમેન્ટ કોંક્રીટ પાથરવા, ૭ કિલોમીટરથી વધુ ડિવાઈડરને કલર, ૪૫ કિલોમીટરથી વધુ મ્યુરલ આર્ટની કામગીરી કરવામાં આવી છે.

આ ઉપરાંત, રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્સ રિંગ રોડ, શીતલ પાર્ક ચોકથી અયોધ્યા ચોક, રાધે સર્કલથી ગોંડલ ચોકડી, સોરઠીયાવાડી સર્કલથી આનંદનગર પર પેવર બ્લોક રીપેરિંગ અને ડિવાઈડરને કલરની કામગીરી કરવામાં આવી છે. રૈયા રોડ, શ્રોફ રોડ, આકાશવાણી રોડ, ફૂલછાબ રોડ પર પણ ડિવાઈડરને કલર કરવામાં આવ્યો છે. આમ્રપાલી અન્ડરબ્રિજ અને હોસ્પિટલ ચોક બ્રિજ પર ચિત્રકામ, વિવેકાનંદ સોસાયટી, પ્રદ્યુમ્ન નગર રોડ, ગોસલિયા માર્ગ, ગીતગુર્જરી મેઇન રોડ, નિરંજની સોસાયટી મેઇન રોડ પર ડામર રી-કાર્પેટ, જ્યુબેલી ચોકથી ત્રિકોણ બાગ, ત્રિકોણ બાગથી નાગરિક બેંક, ભક્તિનગર સ્ટેશનથી મહિલા કોલેજ રોડ અને જીલ્લા પંચાયતથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ સર્કલ પર પેવર બ્લોક રીપેરિંગ કરવામાં આવ્યું છે.


(૧) ડામરકામ

(૨) રોડ પેઇન્ટિંગ

(૩) ડીવાઈડર પેઇન્ટિંગ

(૪) બ્રિજ/વોલ પેઇન્ટિંગ

(૫) ફૂટપાથ રિપેરિંગ

(૬) પેવિંગ બ્લોક ફિટિંગ

(૭) સ્વચ્છતા ઝુંબેશ વિગેરે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application