મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામમાંથી એક અત્યંત દુખદ અને રહસ્યમય ઘટના સામે આવી છે. થોળ વિસ્તારમાંથી ગત શનિવારથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 5 વર્ષીય માસૂમ બાળકી પાયલનું કંકાલ મળી આવ્યું છે. ઘરથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલા એક ખેતરમાંથી આ માનવ અવશેષો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, બાળકી ગુમ થયા બાદ પરિવાર અને ગ્રામજનો દ્વારા તેની ભારે શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં બાળકી એકાંતમાં રોડ કે ખેતર તરફ જતી સ્પષ્ટ નજરે પડી રહી હતી. લાંબી શોધખોળના અંતે ખેતરમાંથી મળી આવેલા કપડાં અને અવશેષોના આધારે આ કંકાલ ગુમ થયેલી બાળકી પાયલનું હોવાની પ્રાથમિક ઓળખ કરવામાં આવી છે.
આ ઘટના પાછળ કોઈ જંગલી પ્રાણીનો હાથ હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો અને વન વિભાગના અનુમાન મુજબ, કોઈ ખૂંખાર જંગલી પ્રાણીએ આ માસૂમ બાળકીનો શિકાર કર્યો હોઈ શકે છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં અજગર જેવા શિકારી જીવોની ઉપસ્થિતિને કારણે અજગરે બાળકીને ગળી ગયા હોવાની પણ શંકા સેવાઈ રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે.
બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મળી આવેલા કંકાલને તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. આ ગંભીર બાબતે મહેસાણાના બાવળુ પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને ડીએનએ (DNA) રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોતનું અસલી કારણ સ્પષ્ટ થશે અને પોલીસ આગળની કાયદેસરની તપાસ હાથ ધરશે.