કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક બાંધકામ સાઈટ પાસે ઝૂંપડા બાંધી રહેતા શ્રમિકના ઝૂંપડામાં રાત્રીના બે તસ્કરો ઘૂસ્યા હતા અને મોબાઈલ લુંટવાની કોશિશ કરી હતી. દરમિયાન શ્રમિક જાગી જતા તેના પર હુમલો કર્યો હતો. બાદમાં બંને શખસો ભાગવાની કોશિશ કરતા એક શખસ અહી ઝુંપડા નજીક ખાડામાં ખાબકયો હતો જેથી તેને ઈજા પહોંચી હતી. ત્યારબાદ ફરી ભાગવા જતાં ફરી પટકાયો હતો ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે અંગે બાંધકામ સાઇટના સુપરવાઇઝરની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે બે શખસ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ હાઇવે પર રહેતા વિશાલભાઈ બાબુભાઈ પટેલ (ઉ.વ. 31) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નટવર દિનેશભાઈ કુંવરિયા અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે મેગ ઇન્ફ્રા નામની કંપનીમાં સુપરવાઇઝર તરીકે ચારેક વર્ષથી નોકરી કરે છે. હાલ રાજકોટ ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જે બાંધકામ સાઈટમાં પશ્ચિમ બંગાળ અને બિહારના 20 માણસો કામ પર રાખેલ છે. જે અહીં સાઈટ નજીક જ ઝુપડા બાંધી શ્રમિકો રહે છે. સાઇટ પાસે 8 થી 10 ફૂટ ઊંડા ચાર ખાડા ખોદવામાં આવ્યા છે આ ખાડામાં કોંક્રીટ તથા કપચી-રેતી, સિમેન્ટ નાખવામાં આવે છે.
તા. 10 ના રાત્રીના ત્રણેક વાગ્યે ફરિયાદીને સાઇટના ફોરમેન અનવરભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી સાઈટના મજૂર મેઘનાથ રોયને કોઈ અજાણ્યા શખસે છરી મારી મોબાઈલ લૂંટવાની કોશિશ કરી છે. જેથી ફરિયાદી તુરંત અહીં આવ્યા હતા તે વખતે 108 પણ આવી ગઈ હતી અને મેઘનાથને દવાખાને લઈ ગયા હતા. બાદમાં તેમણે મેઘનાથને આ બાબતે પૂછતા કહ્યું હતું કે, રાત્રે 11 વાગ્યા આસપાસ તે ઝૂંપડીમાં આવી સુઈ ગયા બાદ અઢી વાગ્યા આસપાસ ઝુંપડીમાં બે શખસો આવ્યા હતા અને તેણે ઓશીકા નીચે રાખેલો મોબાઈલ ફોન ચોરી કરવાની કોશિશ કરતા તેની ઊંઘ ઊડી જતા ફોન પકડી લીધો હતો જેથી આ બંને શખસોએ ઝપાઝપી કરી હતી. દરમિયાન દેકારો થતા અન્ય શ્રમિકો પણ જાગી જતા આ શખસે છરી કાઢી મારવા દેતા હાથમાં ઇજા થઇ હતી. બાદમાં બંને શખસો નાસી ગયા હતા.
દરમિયાન એક શખસ અહીં ખોદેલા ખાડામાં ખાબકતા તેને ઈજા પહોંચી હતી તેમ છતાં તે બહાર નીકળી ફરી ભાગવા જતા ફરી પટકાયો હતો ત્યારબાદ તેને પણ 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેનું નામ નટવર દિનેશભાઈ કુંવરિયા હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં આ બાબતે સુપરવાઇઝરે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.