BREAKING NEWS

'મુન્ના ભાઈ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિકવલ આવશે, કામ શરુ

  • June 26, 2026 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના સૌથી શ્રેષ્ઠ દિગ્દર્શકોમાં સ્થાન ધરાવતા રાજકુમાર હિરાનીએ ૨૦ વર્ષ પછી પોતાની બ્લોકબસ્ટર ફિલ્મના સીક્વલની જાહેરાત કરીને ચાહકોને મોટી ખુશખબર આપી છે. આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ ઘણા સમયથી આ અંગે કોઈ અપડેટ નહોતી. જો તમે પણ સંજય દત્ત અને અર્શદ વારસીની આઇકોનિક જોડી 'મુન્ના' અને 'સર્કિટ'ને મોટા પડદા પર ફરીથી જોવા માટે આતુર છો, તો તમારા માટે સારા સમાચાર છે. ફિલ્મમેકર રાજકુમાર હિરાનીએ આખરે 'મુન્ના ભાઈ' ફ્રેન્ચાઈઝીની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. દિગ્દર્શકે જણાવ્યું કે ફિલ્મ પર કામ શરૂ થઈ ચૂક્યું છે.રાજકુમાર હિરાનીએ કન્ફર્મ કર્યું છે કે 'મુન્ના ભાઈ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મની સ્ક્રિપ્ટ (વાર્તા) લખાઈ રહી છે અને તેના પર કામ ચાલુ છે. રાજકુમાર હિરાનીએ પોતાની આગામી ઓટીટી સિરીઝ 'પ્રીતમ પેડ્રો'ના પ્રમોશન દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે મુન્નાભાઈની ત્રીજી ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.દિગ્દર્શકે જણાવ્યું કે 'મુન્ના ભાઈ'નો ત્રીજો ભાગ લાંબા સમયથી ચર્ચામાં છે અને હવે આ દિશામાં કામ પણ આગળ વધી રહ્યું છે. જો કે ફિલ્મનું નામ, રિલીઝ ડેટ કે બાકીની સ્ટારકાસ્ટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમના આ નિવેદને ચાહકોની આશાઓ ચોક્કસ વધારી દીધી છે. આ દરમિયાન રાજકુમાર હિરાનીએ આ ફ્રેન્ચાઈઝીની એ ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો જેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું પરંતુ ફિલ્મ ક્યારેય બની શકી નહોતી.વર્ષો પહેલા મેકર્સે મુન્નાભાઈ અને સર્કિટની જોડીને અમેરિકા મોકલવાની તૈયારી કરી હતી. આ જોડી અમેરિકા જવાની હતી અને આ જ વાર્તાની આસપાસ ફિલ્મનું ટીઝર પણ જાહેર કરાયું હતું, પરંતુ ફિલ્મ પડતી મૂકવામાં આવી અને ક્યારેય બની શકી નહીં. જો કે તે ટીઝર ખૂબ જ મનોરંજક હતું, જેમાં મુન્નાભાઈ અંગ્રેજી શીખતા જોવા મળતા હતા અને લોકોએ આશા રાખી હતી કે ફિલ્મ ટૂંક સમયમાં શરૂ થઈ જશે, પણ એવું થયું નહીં.આ ટીઝર વિશે ચર્ચા કરતા રાજકુમાર હિરાની કહે છે કે તે સમય સુધી ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી થઈ નહોતી. ટીઝર માત્ર એક આઈડિયા તરીકે બનાવવામાં આવ્યું હતું. બાદમાં વાર્તા તે દિશામાં આગળ વધી શકી નહીં અને પ્રોજેક્ટ અધૂરો રહી ગયો. તેમણે જણાવ્યું કે અત્યારે પણ ઘણી વાર્તાઓ પર કામ ચાલી રહ્યું છે અને ટીમ ઈચ્છે છે કે જ્યારે પણ મુન્ના અને સર્કિટની વાપસી થાય, ત્યારે તે એક દમદાર વાર્તા સાથે થાય. દિગ્દર્શકે કન્ફર્મ કર્યું છે કે ફિલ્મ પર કામ ચાલુ છે અને આ લોકપ્રિય ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application