BREAKING NEWS

રાજકોટ-ભાવનગર રોડનું 2023માં મંજૂર થયેલું કામ હજુ શરૂ જ નથી થયું

  • October 08, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ હવે કોઈ પણ પ્રોજેક્ટમાં વિલંબ ચલાવી લેવામાં નહીં આવે તેવી ચેતવણી આપતા નિવેદનો અવારનવાર જાહેરમાં કરે છે. પરંતુ તેની કોઈ અસર જોવા મળતી નથી. એજન્સીઓ મન ફાવે તેમ વર્તન કરતી હોવા છતાં તેની સામે કડક કાર્યવાહીની ચેતવણી માત્ર બોલવા પૂરતી જ હોય તેવું લાગે છે.

રાજકોટથી સરધાર આટકોટ ભાવનગર રોડના કામને જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2023 ના વર્ષમાં મંજૂર કરવામાં આવ્યા બાદ આ કામ શરૂ કરવામાં વિલંબ થતાં વરસાદના કારણે વધુ બીસ્માર બનેલા આ માર્ગથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્રણ વિધાનસભા મતવિસ્તારને જોડતા આ સ્ટેટ હાઇવે પરથી કોટડા સાંગાણી ખારચિયા દડવા ગોંડલ સરધાર ભુપગઢ ચોટીલા જેવા ગામોએ જવા ઉપરાંત રાજકોટ માર્કેટયાર્ડ આરટીઓના કારણે ભારે વાહનોની અવરજવર વધુ જોવા મળે છે. ખેડૂતો દ્વારા એસટીનો મહત્તમ ઉપયોગ થતો હોય છે. આ માર્ગ વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોવા છતાં અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસેથી કામ શરૂ કરાવી શકતા નથી.

આ સ્ટેટ હાઇવે ને ફોરલેન બનાવવાની કામગીરી 2014 માં મંજૂર થયા પછી ચાર વર્ષે એટલે કે 2018માં તે પૂરી કરવામાં આવી હતી. જે તે સમયે આ કામ નબળું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠ્યા પછી સરકારે 2023 માં રિ-સરફેસિંગના કામને મંજૂરી આપી છે.

2023 માં આ કામ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે રૂપિયા 2255 લાખના કામને મંજૂરી મળી હતી અને ટેન્ડર પ્રક્રિયા દરમિયાન આ કામના ટેન્ડર 17.૫૧ ટકા ઊંચા આવતા આ કામ પાછળ અંદાજે રૂપિયા 2650 લાખનો ખર્ચ થશે, આ કામગીરી રાજકોટ થી શરૂ કરવા માટે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તરફથી થોડા સમય પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એજન્સીએ ખાતમુહૂર્ત માટે થોડું કામ કરી બાકીનું કામ છોડી દીધું છે, અંદાજે 8 થી 10 કિલોમીટર માં થયેલા નબળા કામનું વરસાદમાં ધોવાણ થયું છે અને હવે એજન્સી પણ કામ અધૂરું છોડીને જતી રહી છે.

આ કામ માટેના ટેન્ડર ફાઈનલ કરવામાં આવ્યા ત્યારે 22 જાન્યુઆરી 2025 ના રોજ તેના વર્ક ઓર્ડર એજન્સીને ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને તેની શરતમાં આ કામ 10 મહિનામાં પૂરું કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું. આ કામ પૂરું કરવાની મુદત આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે પરંતુ આમ છતાં હજુ કામ શરૂ જ થયું નથી.



રસ્તાની કામગીરીમાં ચાલતા લોલમ લોલનું શ્રેષ્ઠ ઉદાહરણ

રસ્તાની કામગીરીમાં કેવું લોલમ લોલ ચાલે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પ્રોજેક્ટ પૂરો પાડે છે. 2014માં આ કામને મંજૂરી આપવામાં આવી હતી. કામ નબળું થયાની ફરિયાદ પછી છેક 2023 માં તેનો સ્વીકાર કરીને રી સરફેસિંગ માટેના કામને મંજૂરી આપવામાં આવી હતી. 2025માં તેના વર્ક ઓર્ડર ઈસયુ કરવામાં આવ્યા હતા અને 10 મહિનામાં કામ પૂરું કરવાનું હતું. જે મુદત ઓક્ટોબર માસમાં જ પૂરી થાય છે અને હજુ આ કામ શરૂ પણ થયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application