રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટીમાં રહેતા યુવાને મકાનના હપ્તા ભરવા માટે રૂ.૨ લાખ વ્યાજે લીધા હતાં. બાદમાં રૂ.૩ લાખ ચૂકવી દીધા હોવા છતા વધુ રૂ.૩.૪૦ લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા યુવાને કંટાળી જઇ ફિનાઇલ પી લીધું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકમાં ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મનીલેન્ડ એકટ અને ધમકીની કમલ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના નવા થોરાળા વિસ્તારમાં રામનગર સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દુ મહેન્દ્રભાઈ ટીટીયા (ઉ.વ 37) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેકી ઠક્કર, સંજય વ્યાસ અને હાર્દિક છગનભાઈ મોલીયાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી ત્રણેક મહિના પહેલા તેને મકાનનો હપ્તો ભરવો હોય તે માટે પૈસાની સગવડ ન હોય તેણે કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી સામે આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા જેકી ઠક્કર પાસે જઇ વ્યાજે પૈસા આપવાની વાત કરતા જેકીએ કહ્યું હતું કે, કેટલા રૂપિયા જોઈએ છે? જેથી યુવાને કહ્યું હતું કે, મારે મકાનના હપ્તા ભરવા રૂ. 50,000 ની જરૂર છે. જેથી જેકીએ કહ્યું હતું કે હું 50,000 નું દર 10 દિવસે 3000 રૂપિયા વ્યાજ લઈશ. યુવાનને પૈસાની જરૂર હોય તેણે હા કહી હતી અને તે વ્યાજના રૂ. 3,000 સમયસર આપી દેતો હતો.
એકાદ મહિના પહેલા યુવાનને વધુ રૂપિયાની જરૂર પડતાં જેકી પાસે જઈ રૂ.1.50 લાખ વ્યાજે લીધા હતા ત્યારે જેકીએ કહ્યું હતું કે આ દોઢ લાખ અને આગળના 50,000 મળી કુલ બે લાખ રૂપિયા થયા છે. જેથી તારે દર પંદર દિવસે વ્યાજના રૂપિયા 10,000 આપવા પડશે તેવી વાત કરી હતી. જેથી યુવાને હા કહી હતી. બાદમાં યુવાને આજદિન સુધી કટકે કટકે કરી આ જેકીને રૂ. 3 લાખ આપી દીધા છે છતાં જેકી ફોન કરી તથા રૂબરૂમાં હજુ તારે રૂપિયા ૩.૪૦ લાખ આપવાના છે તે ક્યારે આપીશ અને નહીં આપે તો સારાવટ નહીં રહે તેવી ધમકી આપે છે.
આ ઉપરાંત જેકીના માણસો સંજય વ્યાસ અવારનવાર ઘરે આવી તથા ફોનમાં રૂપિયાની પઠાણી ઉઘરાણી કરે છે તથા હાર્દિક ફોન કરી ગાળો ભાંડે છે અને કહે છે કે તને ઉપાડી લેતા વાર નહીં લાગે. તારે રૂપિયા તો આપવા જ પડશે અને રૂપિયા નહીં આપે તો સારાવટ નહીં રહે તેવી ધમકી આપે છે. જેકી અને તેના માણસોના ત્રાસથી કંટાળી જઇ યુવાને ગઇ તા. 2/11 ના સાંજના ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તબિયત સારી થતા તેણે આ અંગે જેકી અને તેના બે માણસો વિરુદ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે મનીલેન્ડ એક્ટ અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.