BREAKING NEWS

ભાડલામાં એગ્રોની દુકાનમાંથી ચોરી: ઉધારની ના કહેતા ગામમાં જ રહેતા શખસે હાથફેરો કર્યો

  • November 15, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભાડલા ગામમાં એગ્રોની દુકાનમાંથી રૂ.૮ હાજરની રોકડની ચોરી થયા અંગે ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ ચકાસતા ગામમાં જ રહેતા શખસે હાથફેરો કર્યો હોવાનું માલુમ પડયું હતું. અગાઉ દુકાનદારે માલ બાકીમાં આપવાની ના પાડતાં તેણે ચોરી કરી હતી. જે અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


જસદણના નાની લાખાવડ ગામમાં રહેતાં ચિરાગભાઈ ધારશીભાઇ સાપરા (ઉ.વ.૨૯) એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ભાડલા ગામના ભોળા વસુભાઇ સભાડનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ભાડલા ગામે, કમળાપુર રોડ પર સહકારી મંડળી સામે નિલકંઠ એગ્રો સેન્ટર નામની દુકાન આવેલી છે. આ એગ્રોની દુકાન તેઓને જેન્તીભાઈ સીદાભાઇ ધોડકીયા સાથે ભાગીદારીથી આવેલી છે.


ગઇ તા.૧૩ ના તેઓ સાડા છએક વાગ્યે દુકાને હતાં અને ત્યારબાદ ઘરે જતો રહેલ હતો, જે બાદ ભાગીદાર જેન્તીભાઈ ધોડકીયા દુકાને હતા. તેઓ રાત્રીના સાડા સાતેક વાગ્યે દુકાન બંધ કરી જતા રહેલ હતા. ગઈકાલે સવારના આઠેક વાગ્યે દુકાને આવ્યા હતા ત્યારે દુકાનના રૂપિયા રાખવાનો ગલ્લો (ખાનું) તુટેલ હાલતમાં હોય જેથી તેમાં તપાસ કરતા કોઇ રોકડા રૂપિયા જોવામાં આવેલ નહીં. જેથી ભાગીદાર જેન્તીભાઈ ધોડકીયાને ચોરી થયા અંગેની જાણ કરેલ અને તેઓએ કહેલ કે, ગલ્લામાં આશરે રૂ.૮ હજાર હતાં.


ત્યારબાદ દુકાનમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમા રાત્રીના એક વાગ્યે દુકાનની અંદર ભોળાભાઈ સભાડ અંદર પ્રવેશ કરે છે અને દુકાનના કાઉન્ટર ટેબલમાં તથા દુકાનની અંદર રૂપિયાની શોધખોળ કરી ટેબલના ઉપલા ખાનાને (ગલ્લો) ખેંચીને તોડી ગલ્લામાં રહેલ વેપારના રોકડા રૂપિયા તેના કોટના ખિસ્સામાં નાખે છે તેવું સીસીટીવી ફુટેજમાં દેખાયુ હતું. આ તસ્કર ભોળાભાઈ સભાડ દુકાને છેલ્લા છએક મહિનાથી ગ્રાહક હોય અને દોઢેક મહિના પહેલા તેને બાકીમાં ધંધો કરવાની ના પાડી હતી.


બનાવ અંગેની ફરીયાદ પરથી ભાડલા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application