મેટોડા જીઆઇડીસીમાં આવેલી એન્જેલ વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી કેબલ વાયર ભરેલા 77 બોક્સ કિંમત રૂપિયા 3.30 લાખની ચોરી થઈ હતી. જે અંગે મેટોડા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે ચોરી કરનાર બે શખસોને ઝડપી લીધા બાદ ચોરીનો આ મુદ્દામાલ રાખનાર આરોપીને પણ ઝડપી લીધો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 3.21 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસીમાં આવેલી એન્જલ વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી ઈલેક્ટ્રીક કેબલ વાયર ભરેલા બોક્સ નંગ 77 કિંમત રૂ. 3,30,022 ની ચોરી થયા અંગે કારખાનાના મેનેજર જયકુમાર ભુવા દ્વારા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ ડિવાએસપી આર.એ.ડોડીયાના સુપરવિઝનમાં મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇએસએચ શર્માની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સોર્સીસના આધારે પોલીસે આ ચોરીમાં ગણતરીની કલાકોમાં જ આરોપી રવિ હસમુખભાઈ દાફડા (ઉ.વ 21 રહે. હાલ મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-૧, મૂળ નાગધ્રા તા. ધારી) અને રાકેશ રમેશભાઈ દાફડા (ઉ.વ 28 રહે. મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 1, મૂળ પ્રેમપરા તા. ધારી) ને ઝડપી લીધા હતા.
પોલીસે ઝડપાયેલા આ બંને શખસોની પુછતાછ કરતા તેમણે કબુલાત આપી હતી કે, તેમણે અહીંથી કેબલ વાયર ચોરી કર્યા બાદ તે ભંગારના ધંધાર્થીને વેચી દીધો હતો. જેથી પોલીસે કણકોટ પાટીયા હાઉસિંગ ક્વાર્ટર બ્લોક નંબર 424 માં રહેતા મૂળ સુરેન્દ્રનગરના મોરથરાના વતની ભંગારના ધંધાથી ભરત નાનજીભાઈ મકવાણા (ઉ.વ 29) ને પણ ઝડપી લીધો હતો. પોલીસે આરોપીઓ પાસેથી હરકયુલસ કંપનીના તૈયાર ઈલેક્ટ્રીક કેબલ વાયર બોક્સ નંગ 72 કિંમત રૂપિયા 3.08 લાખ તથા બળી ગયેલા વાયરના ગૂંચળા ૧૯ કિલો હિંમત રૂપિયા 12,675 મળી 3.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓ પૈકી રવિ દાફડા, વિરૂધ્ધ મેટોડામાં દારૂ, રાકેશ વિરુદ્ધ અમરેલીના ધારી પોલીસ સ્ટેશનમાં મારામારી, જુગાર અને રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાય ચૂક્યો છે. જ્યારે ભંગારના ધંધાર્થી ભરત મકવાણા સામે મેટોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ કામગીરીમાં પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં એએસઆઇ મયુરસિંહ, હેડ કોન્સ. યોગીરાજસિંહ, ઉપેન્દ્રસિંહ, કોન્સ. શુભરાજ, શકિતસિંહ, ભાર્ગવભાઇ સાથે રહ્યા હતાં.