BREAKING NEWS

રાજકોટના રૈયાધારમાં જનાના હોસ્પિ.ના સફાઇ કર્મી મહિલાના ઘરમાંથી રૂ.૫.૫૦ લાખની ચોરી

  • January 03, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રૈયાધાર ટાઉનશીપ બાર માળિયા ક્વાર્ટરમાં જનાના હોસ્પિટલના સફાઈ કર્મચારી મહિલાના મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રૂ.40,000 સહિત રૂ. 5.50 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. મહિલા તેના પિતાના ઘરે ગયા હોય અને બાદમાં નોકરીએ નાઈટ શિફ્ટ પૂરી કરી સવારે અહીં ઘરે આવતા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યાનુ માલુમ પડ્યું હતું. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.


રાજકોટમાં રૈયાધાર ટાઉનશીપ એ વીંગ ચોથા માળે બાર માળિયા ક્વાર્ટરમાં રહેતા નૂતનબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ. 32) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. નુતનબેન ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં સાસુ સાથે રહે છે પતિ સાથે મનમેળ ન હોય તે અલગ ભાડવા ગામે છેલ્લા દસેક વર્ષથી રહે છે. મહિલા જનાના હોસ્પિટલમાં સફાઈકામ કરે છે અને છેલ્લા બે મહિનાથી સોરઠીયા પ્લોટ શેરી નંબર 1/3 ના ખૂણે અનિલ પાનની સામે કેનાલ રોડ પર રહેતા પિતાની તબિયત ખરાબ હોય જેથી તેમના ઘરે સંતાનો સાથે રહે છે.


ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 31/12 ના બપોરના બારેક વાગ્યા આસપાસ ફરિયાદી તથા તેમના સાસુ બંને રૈયાધાર ટાઉનશીપમાં આવેલા ઘરેથી પિતાના ઘરે ગયા હતા અને સાસુ ફરિયાદીના મોટા બેન જે શાંતિનગર ગેટ પાસે રહેતા હોય ત્યાં ગયા હતા. મહિલાને હોસ્પિટલમાં નાઈટ શિફ્ટ હોવાથી તે માતા પિતાના ઘરેથી રાત્રિના આઠેક વાગ્યે જનાના હોસ્પિટલ ગયા હતા અને નાઈટ શિફ્ટ પૂરી કરી તારીખ 1/1 ના સવારના 9:30 વાગ્યા આસપાસ રૈયાધાર ખાતે ઘરે જતા અહીં ઘરના દરવાજાનું તાળું ખોલી અંદર જોતા રૂમનો દરવાજો ખુલ્લો હતો. બાદમાં રૂમમાં જઈ જોતા રૂમમાં રાખેલ લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો હોય અને કબાટનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો તિજોરીનું ખાનું પણ તૂટેલું હતું.


બાદમાં તપાસ કરતા તિજોરીમાં રાખેલ એક સોનાની હાંસડી કિં.રૂ. ૩.૫૦ લાખ, બે જોડી સોનાની બુટ્ટી કિં.રૂ. 1 લાખ, સોનાની વીંટી કિં.રૂ 50,000, બે ચાંદીના દોરીયા, બે જોડી ચાંદીના કડલા, ચાંદીના નજરીયા તથા એક સોનાનો ઓમ અને રોકડ રૂપિયા ૪૦ હજાર સહિત કુલ રૂપિયા 5,50,200 ની મત્તા જોવા મળી ન હતી. જે બાબતની જાણ મહિલાએ તેમના મોટાબેન ચીકુબેનને કરતા તેમના સાસુ તથા ચીકુબેન અહીં ઘરે આવ્યા હતા અને આસપાસમાં તપાસ કરી હતી બાદમાં આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂ. 5.50 લાખની આ ચોરી અંગે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application