BREAKING NEWS

ગોંડલમાં મકાનમાંથી દોઢ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: બે ઝડપાયા

  • October 14, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના વોરા કોટડા રોડ પર મકાનમાંથી દોઢ લાખની મત્તાની ચોરીના બનાવનો ભેદ ગોંડલ બી ડિવિઝન પોલીસે ઉકેલી નાખી રીઢા ચોર સહિત બેને ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને સોનાનો ઢાળીયો સહિત રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીએ આ સિવાય રાજકોટમાં મોબાઇલ ચોરી અને અમદાવાદમાં ચાર વ્યકિતઓના પાકિટ ચોરી કરી લીધા હતાં.

મૂળ જસદણના સાણથલી ગામના વતની અને હાલ ગોંડલના વોરા કોટડા રોડ પર શંકરવાડી-1 માં રહેતા પાનના ગલ્લાના ધંધાર્થી મયુરભાઈ રમેશભાઈ સેદાણીને જસદણ તાલુકાના સાણથલી ગામે બજરંગ પાનની દુકાન આવેલ છે. ગઇ તા-૨૯/૦૯/૨૦૨૫ના રોજ તે દુકાને સાણથલી ગામે ગયેલ હતો અને નવરાત્રીનો તહેવાર નિમિત્તે ગરબી ચાલુ હોય જેથી તે દુકાને રોકાય ગયો હતો. દરમિયાન તેના ગોંડલ સ્થિત મકાનમાંથી રોકડ રૂ.૨૦ હજાર તથા ઘરેણા સહિત રૂ. 1.50 લાખની મત્તાની ચોરી અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા અનડિકેટક બનાવનો ભેદ ઉકેલવા અપાયેલી સુચનાના પગલે ગોંડલ ડીવાએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આ ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી આરોપી મગન બચુભાઇ પરમાર અને કરણ અશોકભાઇ પરમાર(રહે. બંને આવાસ કવાર્ટર નં.૮ ગોંડલ) ને ઝડપી લઇ ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ.૧૫૦૦ તથા સોનાનો ઢાળીયો, સહિત રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓની પુછતાછ કરતા આરોપી અશોક પરમારે આ ચોરી બાદ તા.૯/૧૦ ના રાજકોટ ન્યુ બસ સ્ટેન્ડથી એક મોબાઇલની ચોરી તથા અમદાવાદમાં ગીતાનગર બસ સ્ટેશન પાસેથી ચાર વ્યકિતના પાકિટી અને રોકડ રૂપિયાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આરોપીઓ રાત્રીના સમયે બંધ મકાન-દુકાનની રેકી કરી ચોરીના બનાવને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપીઓ પૈકી અશોક રીઢો ચોર છે તેની સામે ગોંડલ સિટી, વેરાવળ, ઉપલેટા, જેતપુર સહિતના પોલીસ સ્ટેશનમાં મળી ચોરી,ધમકી, જાહેરનામા ભંગ સહિતના કુલ ૧૬ ગુના નોંધાઇ ચૂકયા છે.

આ કામગીરીમાં ગોંડલ બી ડિવિઝનના પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ એસ.વી.ડાંગર, એ.વી.સાંખટ, એએસઆઇ મદનસિંહ ચૌહાણ, હેડ કોન્સ. શકિતસિંહ, નરેશભાઇ, કોન્સ. ઓમદેવસિંહ, હીતેન્દ્રસિંહ, સુરપાલસિંહ, વીપુલભાઇ અને નિમુબેન સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application