નેતાઓને નહીં પરંતુ પક્ષની વિચારધારાને વફાદાર હોય તેવાની પસંદગી કરી જૂથવાદનો સફાયો કરવાની રણનીતિ સાથે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠન સંરચના ચાલી રહી છે. દરમિયાન રાજકોટ શહેર ભાજપના ૨૦ હોદ્દેદારોના નામ ફાઇનલ કરવા માટે આજરોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેને પ્રદેશે તેડું મોકલતા આજે સવારે તેઓ હોદા દીઠ પાંચ પાંચ નામોનું લિસ્ટ સાથે લઇને પ્રદેશ કાર્યાલયે પહોંચ્યા છે અને નવી નિમણૂંકો માટે ચર્ચા શરૂ થઇ છે. અગાઉ જે નામો રજૂ થયા હતા તે ઉપરાંતના અનેક નવા નામો લિસ્ટમાં સામેલ થયાનું અને જબરી ઉથલપાથલ શરૂ થયાનું જાણવા મળે છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે ઉપરાંત પ્રભારી કિરીટભાઇ સોની તેમજ નિરીક્ષકો ભરતસિંહ પરમાર અને બિજલ બેન પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ખાતે રાજકોટ શહેર ભાજપના હોદેદારો નક્કી કરવા આજે બપોરે ત્રણ વાગ્યાથી મિટિંગ શરૂ થઇ છે. આ મિટિંગ પૂર્ણ થયા બાદ પ્રદેશની કોર સ્ક્રુટીની કમિટીની મિટિંગ મળશે જેમાં નામો સ્ક્રુટીની થયા બાદ ફાઇનલ થશે તેમ જાણવા મળશે. અલબત્ત કોની પસંદગી થશે તેનો પ્રાથમિક ખ્યાલ આજે સાંજ સુધીમાં આવી જશે તેવી ચર્ચા છે.
૪૨ જિલ્લાના નામો એક સાથે જ જાહેર થશે
રાજકોટ શહેર ભાજપના હોદેદારો નિયુક્ત કરવા આજે પ્રદેશ કાર્યાલયમાં પ્રમુખ, પ્રભારી અને નિરીક્ષકો સાથે મિટિંગ થઇ છે પરંતુ એકાદ બે દિવસમાં જ નિર્ણય થઇ જશે પરંતુ નામ જાહેર થઈ જાય તેવી શક્યતા નહિવત છે કારણકે તમામ ૪૨ જિલ્લા અને મહાનગરોની ટીમના નામો એક સાથે જ જાહેર કરવાનો નિર્ણય પ્રદેશ દ્વારા લેવાયો છે.
પ્રદેશ સંગઠનની પેટર્ન ઉપર જ શહેર સંગઠન
ગુજરાત સરકારના મંત્રી મંડળ વિસ્તરણ વેળાએ જે નામો ચર્ચાતા હતા તે તમામ કપાયા હતા અને ચર્ચાતાં નામોને કંઇ જ અપાયું ન હતું. દરમિયાન એવી ચર્ચા શરૂ થઈ હતી કે જેમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરાયા નથી તેમને પ્રદેશ સંગઠનમાં સમાવિષ્ટ કરાશે પરંતુ તેવું પણ બન્યું નથી. હવે આવું જ મહાનગરો અને જિલ્લા હોદેદારોની નિમણૂકમાં પણ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
અનેક કોર્પોરેટરોની ટિકિટ કપાવાનું સુનિશ્ચિત
રાજકોટ શહેરની જે રીતે સરકારના મંત્રી મંડળ અને ત્યારબાદ પ્રદેશ ભાજપ સંગઠનમાં પણ બાદબાકી કરાઇ છે તે જોતા હવે શહેર સંગઠનમાં જડમૂળથી ફેરફારો થશે તે નિશ્ચિત બની ગયું છે. રાજકોટમાં હાલ જેમના નામના સિક્કા પડી રહ્યા છે તેવા અનેક કોર્પોરેટરોની ટિકિટ કપાવાનું પણ સુનિશ્ચિત બની ગયું છે. એકંદરે આગામી સમયમાં ભાજપ અનેક પરિવર્તન ઇચ્છી રહ્યું છે.
મહામંત્રી ચર્ચાતા નામોમાં કોણ સમાવિષ્ટ ?
૬૮-પૂર્વ રાજકોટ
કિશોરભાઇ રાઠોડ
અશ્વિનભાઇ મોલીયા
વલ્લભભાઇ દુધાત્રા
રમેશભાઇ પરમાર
૬૯-પશ્ચિમ રાજકોટ
કિશનભાઇ ટીલવા
લલિતભાઈ વાડોલીયા
હાર્દિકભાઈ બોરડ
વિજયભાઈ પાડલીયા
કિરણબેન માંકડીયા
કિરણબેન અરસોડા
પૂજા પટેલ
૭૦ દક્ષિણ, ૭૧-રાજકોટ
રાજદીપસિંહ જાડેજા વાવડી
વિરેન્દ્રસિંહ ઝાલા
ગૌતમભાઈ ગૌસ્વામી
યોગેન્દ્રસિંહ જાડેજા