રાજકોટ શહેરમાં આજે સતત બીજા દિવસે પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે, કુલ ૧૮માંથી ૧૩ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો.આજે વોર્ડ નં.૨ (પાર્ટ), ૪ (પાર્ટ), ૭ (પાર્ટ), ૮ (પાર્ટ), ૯ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ) ૧૪ (પાર્ટ), ૧૫ (પાર્ટ), ૧૬ (પાર્ટ), ૧૭ (પાર્ટ) અને વોર્ડ નં.૧૮ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહ્યું હતું. જ્યારે આવતીકાલે પણ પોણા રાજકોટમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે.વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદા પાઈપ લાઈન આધારીત પમ્પીંગ સ્ટેશનો ઉપર મેઈન્ટેનન્સની કામગીરી સબબ તા.૧૮થી તા.૨૦ સુધીનું શટડાઉન હોવાથી પાઇપલાઇન મારફતે મળતો નર્મદાનીરનો જથ્થો હાલ મળતો ન હોય તેમજ આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન ખાતે પાણી ટ્રાન્સફર કરવામાં આવતી પાઈપલાઈન લીકેજ હોવાથી તેનું રીપેરીંગ પણ ચાલુ હોય પાણીનો અપૂરતો જથ્થો પ્રાપ્ત થઈ રહ્યો છે. આવા કારણોસર તા.૧૬થી ૨૧ સુધી અલગ અલગ વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં પાણીકાપ રહેશે.