આવકવેરા વિભાગે અદાણી ગ્રુપની કંપની ACC લિમિટેડ પર કુલ 23.07 કરોડનો બે અલગ અલગ દંડ ફટકાર્યો છે. તે અદાણી સિમેન્ટની માલિકી ધરાવે છે. કંપનીએ જણાવ્યું છે કે તે વિભાગના નિર્ણયને અપીલ સત્તાવાળાઓ સમક્ષ પડકારશે. ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપે સપ્ટેમ્બર 2022માં સ્વિટ્ઝર્લૅન્ડના હોલ્સિમ ગ્રુપ પાસેથી અંબુજા સિમેન્ટ્સ અને તેની પેટાકંપની, ACC લિમિટેડને 6.4 બિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી.
આવકવેરા વિભાગે 2015-16ના આકારણી વર્ષ માટે આવક ખોટી રીતે રજૂ કરવા બદલ ACC પર રૂ.14.22 કરોડનો દંડ ફટકાર્યો છે. આકારણી વર્ષ 2018-19 માટે આવક ઓછી દર્શાવવા બદલ રૂ.8.85 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ACCએ ગુરુવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે નિર્ધારિત સમયમર્યાદામાં આવકવેરા કમિશનર (અપીલ) સમક્ષ અપીલ દાખલ કરીને બંને આદેશોને પડકારશે. તે સંબંધિત આદેશો હેઠળ લાદવામાં આવેલા દંડ પર રોક લગાવવાની પણ માંગ કરશે.
અદાણી સિમેન્ટનો હિસ્સો કેટલો છે?
કંપનીને 1 ઓક્ટોબર, 2025ના રોજ આ દંડ અંગે નોટિસ મળી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે આ દંડ તેની નાણાકીય પ્રવૃત્તિઓને અસર કરશે નહીં. અદાણી સિમેન્ટનો એક ભાગ, ACC, અંબુજા સિમેન્ટની પેટા કંપની છે. અંબુજા સિમેન્ટ કંપનીમાં 50%થી વધુ હિસ્સો ધરાવે છે. અદાણી સિમેન્ટ દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની છે. આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ તે સમયની છે જ્યારે કંપની અદાણી ગ્રુપનો ભાગ ન હતી.