સ્પેનમાં સતત વધી રહેલી મોંઘવારી અને મકાન ભાડાંમાં થયેલા અસહ્ય વધારા સામે નાગરિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મેડ્રિડમાં રહેતા 87 વર્ષીય વૃદ્ધ મહિલા મારિયા ડેલ કાર્મેન અબાસ્કલ (મેરીકાર્મેન) ને 70 વર્ષ જૂના ઘરમાંથી બળજબરીપૂર્વક કાઢી મુકાતાં આ મુદ્દો રાષ્ટ્રીય આંદોલનમાં ફેરવાઈ ગયો છે. ગત 23 સપ્ટેમ્બરે પોલીસની હાજરીમાં આ વૃદ્ધાને સ્ટ્રેચર પર ઘરમાંથી બહાર લાવવામાં આવ્યા હતા, જેની તસવીરો અને વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મેડ્રિડ અને બાર્સિલોના સહિતના અનેક શહેરોમાં હજારો લોકો ભાડૂઆતોના અધિકારોના રક્ષણ માટે શેરીઓમાં ઉતરી આવ્યા છે.
સ્પેન હાલમાં ગંભીર હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યું છે, જ્યાં મકાન ખરીદવું કે ભાડે રાખવું સામાન્ય નાગરિકો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. છેલ્લા 10 વર્ષમાં સ્પેનમાં સરેરાશ મકાન ભાડું આશરે બમણું થઈ ગયું છે. વર્ષ 2016 માં સરેરાશ ભાડું 8.20 યુરો પ્રતિ ચોરસ મીટર હતું, જે વર્ષ 2026 માં વધીને આશરે 15.10 યુરો પ્રતિ ચોરસ મીટર પર પહોંચી ગયું છે. સરકારી આંકડા મુજબ, ભાડે રહેતા આશરે 26 ટકા લોકો પોતાની કુલ આવકનો 40 ટકા જેટલો મોટો હિસ્સો માત્ર ભાડું અને મકાનના બિલ ચૂકવવામાં ખર્ચી નાખે છે.
મેરીકાર્મેન જે ઈમારતમાં રહેતા હતા તે વર્ષ 2018 માં નવા માલિકે ખરીદી લીધી હતી અને ત્યારપછી ભાડું ખૂબ વધારી દેવામાં આવ્યું હતું. મર્યાદિત આવકના કારણે વૃદ્ધા વધારેલું ભાડું ચૂકવવામાં અસમર્થ હતા, જેથી સપ્ટેમ્બરમાં તેમને ઘરમાંથી બેદખલ કરાયા હતા. જોકે, વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ મકાન માલિક કંપની સાથે કરાર થયો હતો, જેના હેઠળ તેમનું ભાડું તેમની આવકના 30 ટકા એટલે કે આશરે 500 યુરો પ્રતિ માસ સુધી સીમિત રાખવાનું નક્કી કરાતાં તેમને રાહત મળી છે.
આ ઘટના બાદ મેડ્રિડના પુએર્તા ડેલ સોલ ખાતે 1000 થી વધુ પ્રદર્શનકારીઓએ ધામા નાખ્યા છે. આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે સરકાર ભાડાં પર નિયંત્રણ મૂકે, ભાડૂઆતોને બેદખલી સામે કાનૂની સુરક્ષા આપે અને વધુ પોષાય તેવા (એફોર્ડેબલ) મકાનો ઉપલબ્ધ કરાવે. સ્પેનમાં સરકારી માલિકીના ભાડાના મકાનોનું પ્રમાણ 2 ટકાથી પણ ઓછું છે, જ્યારે યુરોપિયન યુનિયનમાં આ સરેરાશ 8 ટકા છે. જ્યાં સુધી સરકાર નક્કર નીતિ નહીં બનાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.