BREAKING NEWS

સોલાર રેડિએશનના કારણે દુનિયાભરની હજારો ફ્લાઈટને અસર

  • November 29, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
એરક્રાફ્ટમાં ગંભીર ટેકનિકલ ખામીને કારણે વિશ્વભરમાં એરબસ એ-320 ફેમિલી એરક્રાફ્ટને સોફ્ટવેર અને હાર્ડવેર અપગ્રેડ માટે ગ્રાઉન્ડ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડશે. તાજેતરમાં સામે આવેલા એક મોટા ટેકનીકલ જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેરને ફરજિયાત અપગ્રેડ કરવામાં આવશે. એરબસ અને એસા દ્વારા કરવામાં આવેલી સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે ઊંચાઈ પર વધતા સોલાર રેડિએશનના કારણે એએલએસી કમ્પ્યુટર ચિપમાં બીટ ફ્લિપ કે ડેટા કરપ્શન થયો હતો. આના કારણે કમ્પ્યુટરને ખોટા સિગ્નલો મળ્યા અને ઓટોપાયલટ મોડમાં હોવા છતાં વિમાન નીચે તરફ જવા લાગ્યું હતું.


ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ એ-320 ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં 350થી વધુ એ-320 વિમાનો છે, જેમાંથી લગભગ 250ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના 120-125 એ-320 વિમાનોમાંથી 100થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં 2-3 દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની શક્યતા છે.


એર ઈન્ડિયાએ એક્સ પર જણાવ્યું, અમે એરબસ દ્વારા જારી કરાયેલા નિર્દેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે. અસુવિધા માટે ખેદ છે.


ઇન્ડિગોએ જણાવ્યું હતું કે તે એરબસ સાથે નજીકથી કામ કરી રહી છે અને મુસાફરોની અસુવિધા ઘટાડવાનો પ્રયાસ કરશે. દરમિયાન, એર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે તેણે તાત્કાલિક સાવચેતી શરૂ કરી છે. આના પરિણામે કેટલીક ફ્લાઇટ્સ માટે વિલંબ અથવા રદ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસના 31 એ-320 વિમાનો આ નિર્દેશથી પ્રભાવિત છે. વધુમાં, એર ઇન્ડિયાએ પણ સ્વીકાર્યું કે સોફ્ટવેર/હાર્ડવેર અપડેટ ટર્નઅરાઉન્ડ સમય વધારશે અને સમયપત્રકને અસર કરશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટ ઉત્પાદક એરબસે તમામ ઓપરેટરોને ચેતવણી આપી છે કે એ-320 એરક્રાફ્ટ સાથે જોડાયેલી તાજેતરની ઘટનામાં અચાનક, અનિયંત્રિત પીચ ડાઉન થયું. તપાસમાં બહાર આવ્યું છે કે આ સમસ્યા એલિવેટર એલેરોન કમ્પ્યુટર (ઈએલએસી) માં તકનીકી ખામીને કારણે હોઈ શકે છે. એરબસે ચેતવણી આપી છે કે જો આ સમસ્યાને ઠીક કરવામાં નહીં આવે, તો તે એરક્રાફ્ટની ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમને અસર કરી શકે છે, જે નોંધપાત્ર સલામતી જોખમ ઊભું કરે છે. ઈયુ એવિએશન સેફ્ટી એજન્સી (એસા) એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અસરગ્રસ્ત એરક્રાફ્ટ પર સેવાયોગ્ય ઈએલએસીએસ તાત્કાલિક ઇન્સ્ટોલ કરવા આવશ્યક છે, અને આગામી ફ્લાઇટ પહેલાં આ અપડેટ ફરજિયાત છે.


કેવી રીતે સામે આવી આ ટેકનીકલ ખામી?

આ સમસ્યા ત્યારે બની જ્યારે કાન્કુનથી ન્યૂ યોર્ક જતી એક ખાનગી એરલાઇનની એ-320 ફ્લાઇટમાં વિમાન અચાનક હજારો ફૂટની ઊંચાઈએ નીચે તરફ આવવા લાગ્યું. પાયલોટે આવો કોઈ આદેશ આપ્યો ન હતો, પરંતુ કેબિનમાં જોરદાર આંચકો લાગ્યો, જેનાથી મુસાફરો તેમની સીટ પરથી નીચે પટકાયા. ઘણા લોકો ઘાયલ થયા હતા, અને ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું. જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.તપાસમાં જાણવા મળ્યું કે એએલએસી ફ્લાઇટ કંટ્રોલ કમ્પ્યુટરના સ્વિચિંગ દરમિયાન ખામી સર્જાઈ હતી.


વૈશ્વિક સ્તરે, આશરે 6,000 વિમાનો આ અપગ્રેડ પ્રક્રિયામાંથી પસાર થશે

એરબસ એ320 ને વિશ્વના સૌથી સુરક્ષિત અને સૌથી અદ્યતન ફ્લાય-બાય-વાયર વિમાનોમાંનું એક માનવામાં આવે છે, પરંતુ આ ઘટનાએ તેના સૌથી મહત્વપૂર્ણ ઘટક, એએલએસી કમ્પ્યુટરની ખામીને છતી કરી છે. વૈશ્વિક સ્તરે, આશરે 6,000 વિમાનો આ અપગ્રેડ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે નવા એ-320-નીઓ ને ફક્ત 30-મિનિટના સોફ્ટવેર અપડેટની જરૂર પડશે, ત્યારે જૂના મોડેલોને હાર્ડવેર અને સોફ્ટવેર બંનેને બદલવામાં 2-3 દિવસ લાગી શકે છે


સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા: એરબસે મુસાફરો- ગ્રાહકોની માફી માંગી

આ ઘટના બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (એસા) એ ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ જારી કર્યો. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે વધુ પડતા સોલાર રેડીએશન ફ્લાઇટ કંટ્રોલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે. આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application