સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરીને ફસાવવાનું ષડયંત્ર રચનાર અને ‘તાલિબાની’ સજા આપી નિર્દોષોને હેરાન કરવાના આરોપોનો સામનો કરતો નામચીન ચિરાગ ગોટીને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો. આરોપીની હાજરીની ખબર ફેલાતાં જ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે જ્યારે ચિરાગ ગોટીને સ્થળ પર લાવવામાં આવ્યો ત્યારે ભીડ બેકાબૂ બની ગઈ હતી.
ધક્કામુક્કી અને નારાબાજી થઈ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કેટલાક લોકો આગળ ધસી આવ્યા અને આરોપી પર ટપલી દાવ કરવાનો પ્રયાસ કર્યો. ધક્કામુક્કી અને નારાબાજી વચ્ચે પોલીસે કડક સુરક્ષા વલય બનાવી તેને તાત્કાલિક વાહનમાં બેસાડ્યો. પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે પોલીસને લાઠીચાર્જની ચેતવણી આપવી પડી. જોકે, અંતે પોલીસે આરોપીને સુરક્ષિત રીતે સ્થળ પરથી દૂર ખસેડવામાં સફળતા મેળવી હતી.
લોકોએ ઢોલ-નગારા વગાડી ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો
બીજી તરફ, વર્ષો સુધી જેના ડર હેઠળ લોકો જીવતા હોવાનો દાવો કરતા સ્થાનિકોએ આજે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. ચિરાગ ગોટીના નિવાસસ્થાન બહાર લોકોએ ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો અને ઢોલ-નગારા વગાડીને કડક સજાની માંગ કરી. “નરાધમને ફાંસી આપો” જેવા સૂત્રો સાથે બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. મહિલાઓ અને યુવાઓ સહિત મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
આસપાસના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો
રિકન્સ્ટ્રક્શન દરમિયાન પીડિત પરિવારના સભ્યો અને આસપાસના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે વર્ષો સુધી ભયના માહોલમાં જીવવું પડ્યું હતું અને હવે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે તે જોઈને ન્યાયની આશા જાગી છે. સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે શાંતિપૂર્ણ માહોલ રહેતો હોય છે, પરંતુ અહીં પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત જોવા મળી. લોકો ખુલ્લેઆમ સૂત્રોચ્ચાર કરતા અને કડક સજાની માંગ કરતા નજરે પડ્યા હતા.
ચિરાગ ગોટી પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાનો આરોપ
ચિરાગ ગોટી પર મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાનો આરોપ ઉપરાંત અપહરણ, ખંડણી અને મારપીટ જેવા ગંભીર ગુનાઓના આક્ષેપો છે. સોશિયલ મીડિયા પર તેના અત્યાચાર દર્શાવતા વિડિયો વાયરલ થયા બાદ કેસે વેગ લીધો હતો. પોલીસે તપાસ તેજ બનાવી અને ઉચ્ચ ન્યાયિક તંત્રની ટકોર બાદ આરોપીએ શરણે થવું પડ્યું હોવાનું સૂત્રો જણાવે છે. રિકન્સ્ટ્રક્શનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન શહેર પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો. છતાં પણ ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની હતી. સુરક્ષાકર્મીઓની હાજરી હોવા છતાં આરોપી સાથે ધક્કામુક્કી થવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
આ સમગ્ર ઘટનાએ સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને જનઆક્રોશ અંગે નવી ચર્ચા જગાવી છે. એક તરફ લોકોમાં ન્યાય માટે ઊંચી અપેક્ષા છે, તો બીજી તરફ કાયદાકીય પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. હવે આગળની કાનૂની કાર્યવાહી અને અદાલતી નિર્ણય પર સૌની નજર ટકી છે.