BREAKING NEWS

અમદાવાદમાં અમિત શાહના મત વિસ્તારમાં 12 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડમાં દોડધામ

  • December 17, 2025 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં અવારનવાર સ્કૂલો, સરકારી ઓફિસો, કોર્ટો, હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહે છે. ત્યારે હવે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં આવેલી 12 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સ્કૂલોએ બાળકોને રજા આપી દીધી હતી.  


મળતી માહિતી મુજબ, અમદાવાદની ઝેબર સ્કૂલ (થલતેજ), મહારાજા અગ્રસેન સ્કૂલ (ગુરૂકુળ), ઝાયડસ સ્કૂલ (વેજલપુર), ડીએવી ઈન્ટરનેશલ સ્કૂલ (મકરબા), સીબીએસઈ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ (અડાલજ), આવિષ્કાર સ્કૂલ (કોલોલ), જેમ્સ એન્ડ જેમિસન સ્કૂલ (ખોરજ-ખોડિયાર), નિર્માણ સ્કૂલ (વસ્ત્રાપુર), અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ (વસ્ત્રાપુર), ઉદગમ સ્કૂલ (થલતેજ), ડીપીએસ (બોપલ), તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ (બોપલ) સહિત આઠ સ્કૂલોમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી.


આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈ-મેઇલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઘરે રવાના કરાયા હતા અને શાળાનું પરિસર ખાલી કરાવાયા હતા. 


વેજલપુરની ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી. સાથે જ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. ફાયરની ચાર ગાડી અને ચાર રેસ્ક્યૂ વાન સ્કૂલ પર પહોંચી હતી. સ્કૂલોમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સ્કૂલના 50 મીટર દૂરથી સ્કૂલ તરફ આવતા રસ્તાઓ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા.


વેજલપુર પીઆઈના જણાવ્યા મુજબ, આજે સવારે ઈ-મેઇલ દ્વારા ઝાયડસ, ઝેબર, અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ બોમ્બ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ ધમકી ભર્યો ઈ-મેઇલ કોના દ્વારા અને ક્યાંથી કરવામાં આવ્યો તેની તપાસ ચાલી રહી છે.


ઈ-મેઇલમાં હવે અમિત શાહ-લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરાશે તેવો ઉલ્લેખ

સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઇલ સવારે 8:33 વાગ્યે આવ્યો હતો. તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.  આ ઈ-મેઇલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઈમને જાણવા મળ્યું છે કે આ ઈ-મેઇલ વિદેશી આઈપી એડ્રેસ (ઓવરસીઝ આઈપી) પરથી મોકલવામાં આવ્યા હતા. ઈ-મેઇલના વિષય (સબજેક્ટ)માં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે. લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો. 


મોટી સંખ્યામાં વાલીઓ બાળકોને લેવા સ્કૂલે દોડી આવ્યા

ડીએવી સ્કૂલને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને લેવા સ્કૂલે દોડી આવ્યા હતા અને બાળકોને ઘરે લઈ જવામાં આવ્યા હતા. ડીએવી સ્કૂલ દ્વારા વાલીઓને ઓડિયો મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી કે તમારા બાળકોને એક કલાક પહેલાં છોડી રહ્યા છીએ તો લઈ જાવ. જોકે વાલીઓને સ્કૂલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકીભર્યો ઈ-મેઇલ કર્યો હોવાની જાણ કરવામાં આવી ન હતી.  પોલીસ દ્વારા ઈ-મેઇલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈ-મેઇલ મળી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News