ગુજરાતમાં અવારનવાર હાઇકોર્ટ અને નીચલી અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી રહે છે. ત્યારે આજે ફરી હાઇકોર્ટ સહિત રાજ્યની છ કોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, હાઇકોર્ટ ઉપરાંત સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી એલટીટીઈ(લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ) દ્વારા આપવામાં આવી હોવાનું ખુલ્યું છે. તેમજ તમામને એક જ પેટર્નથી આ ધમકીઓ આપી છે. એલટીટીઈના પૂર્વ સભ્યો સાથે મળીને કાશ્મીર આઈએસકેપીના મેમ્બર્સે કોર્ટને નિશાન બનાવી છે.
કોર્ટને મળેલા ધમકી ભર્યા ઇ-મેઇલમાં લખ્યું છે કે, જેક્ટો જિઓ વિરોધ: તમારા કોર્ટ પરિસરમાં ત્રણ આરડીએક્સનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે. આ વિસ્ફોટ થાય તે પહેલાં બપોરે 1.55 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો.
સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડીરાતે બે વાગ્યે અંગ્રેજીમાં ઇ-મેઇલ કરી આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની વિગત એવી છે કે, કોર્ટના ઓફિશિયલ ઇ-મેઇલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ ઇ-મેઇલ તપાસ્યો ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી હતી. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી હતી. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અજિત રાજિયનના જણાવ્યા મુજબ, ગઈકાલથી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. અમારી ટીમે આ અંગે તપાસ કરી છે. પ્રાથમિક તપાસમાં આ પ્રકારની ધમકીના ઇ-મેઇલ ભારત બહારથી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારના ઇ-મેઇલ કરીને પેનિક સર્જવાનો પ્રયાસ કરાતો હોવાનું લાગી રહ્યું છે. આ દિશામાં અમારી ટીમ દ્વારા તપાસ ચાલુ છે.
રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી હતી. આ અંગે કોર્ટના સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ દ્વારા યુનિવર્સિટી પોલીસ તેમજ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એસઓજીને જાણ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી.
કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું
ઇ-મેઇલની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી. જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગને ઇ-મેઇલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા. જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
સુરતમાં પણ પોલીસને જાણ થતા જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસોજીની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય.
કોર્ટ પરિસરમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને વકીલ મંડળ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી હતી. કોર્ટની બહાર ઉભેલા કોર્ટ સ્ટાફના કર્મચારીઓ અને વકીલોને હાલ તુરંત પરત જવા માટે જણાવવામાં આવ્યું હતું. જ્યાં સુધી કોર્ટની અંદર તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી, જેથી તપાસમાં કોઈ અવરોધ ન આવે અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય.