BREAKING NEWS

ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

  • September 05, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળા, કૉલેજ, કોર્ટ અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત બોમ્બની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઈમેલ મારફતે ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.



ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. અમદાવાદ અને સુરતના કોર્ટ પરિસરોમાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેટલાક કોર્ટ પરિસરો ખાલી કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.



ખાસ કરીને અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટ અને લાલ દરવાજા સ્થિત સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઈમેલ મળ્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર પરિસરની તપાસ શરૂ કરવામાં આવી હતી.



ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્કવૉડની ટીમ, પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોર્ટ પરિસરમાં આવન-જાવન પર નજર રાખવામાં આવી હતી અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. બોમ્બ સ્કવૉડ દ્વારા કોર્ટની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.



હાલની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાના અહેવાલ નથી. તેમ છતાં સુરક્ષા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ધમકી કયા વ્યક્તિ કે જૂથ દ્વારા આપવામાં આવી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.


મહત્ત્વની સરકારી અને ન્યાયિક સંસ્થાઓને વારંવાર મળતી આવી ધમકીઓને પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. પોલીસ અને તપાસ એજન્સીઓ હવે ધમકીભર્યા ઈમેલના સ્ત્રોત સુધી પહોંચવા માટે ટેક્નિકલ તપાસ હાથ ધરી રહી છે. સમગ્ર મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application