દેશ અને રાજ્યમાં હિન્દુત્વ અને સનાતન ધર્મનો મુદ્દો ચલાવવામાં આવી રહ્યો છે, એક બાજુ વિધર્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હિન્દૂ જ હિન્દૂ ધર્મના કાર્યમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. લાઠીના અકાળા ગામે આગામી તા.23-10 થી 31-10 સુધી સમસ્ત ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવનાર છે એ જગ્યા કલેકટર દ્વારા 10 દિવસની ભાડા મંજુરીથી આપવામાં આવી હોવા છતાં ગામના જ શખસ દ્વારા અહીં રામકથાનો ડોમ ઉભો કરવાની ના કહી આયોજક સમિતિના સભ્યોને ધમકી આપી હતી કે, હું જોવ છું અમારી જમીનમાં રામકથા કેમ કરો છો, ડોમ સળગાવી દેવા સુધીની ધમકી આપતા અંતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ લાઠીના અકાળા ગામે રહેતા હિતેષભાઇ કનુભાઇ રાખોલીયા (ઉવ.38)ને ગઈકાલે બપોરે ગામના વિપુલ રમેશભાઈ હેલૈયાનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, અમરદાસ આશ્રમ સામે આવેલી જગ્યામાં રામકથાનું આયોજન કરો છો એ જગ્યા મારી છે, આથી હિતેષભાઇએ જણાવેલ કે, અમે 10 દિવસ માટે આ જગ્યા કલેકટર અમરેલીએ ભાડા પેટે આપી છે તેની મંજૂરી છે, આથી વિપુલે કલેકટરના નંબર આપવાનું કહેતા હિતેષભાઇએ કલેકટરના નંબર નથી કહેતા ફોનમાં ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં કથાના આયોજન સ્થળે હિતેષભાઇ સહિતના ઉભા હતા ત્યાં વિપુલ આવ્યો હતો અને બધાને ગાળો આપી હું જોવ છું અહીં અમારી જમીન ઉપર કથા કેમ કરો છો. હું કથાનું ડોમ સળગાવી દઈશ. અને અમારી જમીનમાં કાંઈ કર્યું તો જીવતા નહીં રહેવા દઉં તેમ ધમકી આપી ચાલ્યો ગયો હતો. બનાવ અંગે આયોજક સમિતિના હિતેશભાઈ રાખોલીયાની ફરિયાદ પરથી લાઠી પોલીસે વિપુલ હેલૈય સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application