ગલ્ફ દેશોમાં યુએસ લશ્કરી થાણાઓ પર હુમલા બાદ, ઈરાન હવે યુએસ ટેક કંપનીઓને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સએ એપલ, ગુગલ અને માઈક્રોસોફ્ટ સહિત 18 યુ.એસ. કંપનીઓ પર હુમલો કરવાની ધમકી આપી હતી. ઈરાન તરફથી મળેલી આ ધમકીથી હવે કોર્પોરેટ લક્ષ્યો સંવેદનશીલ બન્યા છે. ઇરાને ટેક કંપનીઓને નિશાન બનાવવાની ચીમકીના પગલે અમેરિકા વધુ ભુરાયું થયું છે અને ટ્રમ્પએ જાહેરાત કરી હતી કે ઈરાન કશું કરી શકે તેવી સ્થિતિમાં નથી, કોઈ પણ સંજોગોમાં ઈરાન સામે યુએસ સૈન્ય પરોઠના પગલા નહી જ ભરે.
રિવોલ્યુશનરી ગાર્ડ્સએ જણાવ્યું છે કે જો કોઈ ઈરાની નેતાની હત્યા કરવામાં આવે છે, તો તે ગલ્ફ દેશોમાં યુએસ કંપનીઓને નિશાન બનાવશે. તેમણે ચેતવણી આપી છે કે તેઓ યુ.એસ. અને ઇઝરાયલી હુમલાઓના જવાબમાં મુખ્ય યુ.એસ. ટેક અને સંરક્ષણ કંપનીઓને નિશાન બનાવશે. આ કંપનીઓમાં સિસ્કો, એચપી, ઇન્ટેલ, ઓરેકલ, માઈક્રોસોફ્ટ, એપલ, ગુગલ, મેટા, IBM, ડેલ, પેલાન્ટિર, એન્વિડીયા, જેપી મોર્ગન, ટેસ્લા, જનરલ ઇલેક્ટ્રિક, સ્પાયર સોલ્યુશન્સ, જી42 અને બોઇંગનો સમાવેશ થાય છે.
રિવોલ્યુશનરી ગાર્ડ્સએ જણાવ્યું છે કે આ કંપનીઓ ઇઝરાયલી-યુ.એસ. લશ્કરી અને ગુપ્તચર એજન્સીઓ સાથે સહયોગ કરે છે, જેના કારણે તેઓ લક્ષ્યો માટે સંવેદનશીલ બને છે. ઈરાને તેના સાયબર હુમલાઓ માટે આ કંપનીઓને દોષી ઠેરવી છે અને કહ્યું છે કે તે પોતાનો બચાવ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. માઈક્રોસોફ્ટ અને એપલની કોર્પોરેટ ઓફિસો સંયુક્ત આરબ અમીરાતમાં છે, જે મુખ્યત્વે દુબઈ અને અબુ ધાબીમાં કેન્દ્રિત છે.